જમ્મુ અને કાશ્મીરના રામબાણ જિલ્લાના રાજગઢ વિસ્તારના એક ગામમાં એક મુસ્લિમ પરિવારના ઘરમાં ખોદકામ કરતી વખતે માતા વૈષ્ણોદેવીની મૂર્તિ અને શિવલિંગ મળી આવતાં લોકોમાં ચકચાર જાગી છે
અજબગજબ
એક મુસ્લિમ પરિવારના ઘરમાં ખોદકામ કરતી વખતે માતા વૈષ્ણોદેવીની મૂર્તિ અને શિવલિંગ મળી આવતાં લોકોમાં ચકચાર જાગી
જમ્મુ અને કાશ્મીરના રામબાણ જિલ્લાના રાજગઢ વિસ્તારના એક ગામમાં એક મુસ્લિમ પરિવારના ઘરમાં ખોદકામ કરતી વખતે માતા વૈષ્ણોદેવીની મૂર્તિ અને શિવલિંગ મળી આવતાં લોકોમાં ચકચાર જાગી છે. મુસ્લિમ બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં મુસ્લિમના ઘરમાંથી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળવી એ ચમત્કારથી વિશેષ હોવાનું લોકો માની રહ્યા છે અને હવે આ સ્થળે મંદિર બાંધવાની માગણી કરવામાં આવી રહી છે.
રાજગઢમાં અંદરના વિસ્તારમાં રહેતા લિયાકત અલીના ઘરમાં છેલ્લા થોડા સમયથી પરેશાનીનો પાર નહોતો. તેને ખુદને બે મહિનામાં પાંચ વાર સાપ કરડ્યો હતો. આથી તેણે એક પીરને તેના ઘરે બોલાવ્યો હતો. એક પીર લિયાકત અલીના ઘરે આવ્યો. તેણે આસપાસ જોઈને કહ્યું કે તારા ઘરની અંદર કંઈક દબાયેલું છે એટલે ત્યાં ખોદકામ કરો.
ADVERTISEMENT
પીરના કહેવાથી લિયાકત અલીએ ઘરમાં ખોદકામ કરાવ્યું હતું અને થોડા ફુટ નીચે જ તેને માતા વૈષ્ણોદેવીની મૂર્તિ મળી હતી. ત્યાર બાદ શિવલિંગ અને લાફિંગ બુદ્ધ પણ મળી આવ્યાં હતાં. આ જોઈને લોકો હેરાન થયા હતા, કારણ કે આ વિસ્તારમાં મોટા ભાગના લોકો મુસ્લિમ છે.
મુસ્લિમના ઘરેથી માતા વૈષ્ણોદેવીની મૂર્તિ અને શિવલિંગ મળી આવ્યાં હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને સેંકડો લોકો આ ચમત્કાર જોવા ત્યાં પહોંચી ગયા હતા. લોકોએ મૂર્તિ અને શિવલિંગનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ લોકોએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે.
આ ગામમાં પોલીસે સિક્યૉરિટી વધારી દીધી છે. વિલેજ ડિફેન્સ ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે. આ મૂર્તિઓ કેટલી જૂની છે એની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
મુસ્લિમના ઘરેથી માતા રાનીની મૂર્તિ મળી આવી હોવાથી લોકો આને ચમત્કારથી ઓછું ગણતા નથી. લોકોએ અહીં વૈષ્ણોદેવીની જેમ માતા રાનીનું ભવ્ય મંદિર બાંધવાની માગણી કરી છે.