બીજા દિવસે સ્કૂલ આવેલા ૬ સ્ટુડન્ટ્સે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
Offbeat News
ફાર્ટ સ્પ્રેનો ઉપયોગ કરતાં સ્કૂલ બંધ રાખવી પડી અને ૬ સ્ટુડન્ટ્સ હૉસ્પિટલાઇઝ થયા
અમેરિકાની એક સ્કૂલમાં એક સ્ટુડન્ટે ટીખળ કરીને ફાર્ટ સ્પ્રે કરતાં લગભગ ૬ સ્ટુડન્ટ્સે હૉસ્પિટલ જવાનો વારો આવ્યો હતો. કેની ક્રીક ફાયર ઍન્ડ રેસ્ક્યુની ફેસબુક પોસ્ટ મુજબ ટેક્સસની કેની ક્રીક હાઈ સ્કૂલમાં ગૅસની ગંધ પ્રસરી હોવાના સમાચારની તપાસ કરવામાં ફાયર ઍન્ડ રેસ્ક્યુ અધિકારીઓએ ત્રણ દિવસ વેડફ્યા બાદ સ્કૂલના જ એક ટીખળી સ્ટુડન્ટે પોતે સ્કૂલમાં ફાર્ટ સ્પ્રે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી, જેની ગંધ માણસ વાછૂટ કરે અથવા ઊલટી કરે ત્યારે આવે એવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે અચાનક સ્કૂલમાં ગંધ ફેલાતાં સ્ટુડન્ટ્સને સ્કૂલમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા તથા સ્કૂલમાં ગૅસ ડિટેક્શન સાધનોનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી હતી. જોકે ગૅસ લીકેજનાં કોઈ ચિહ્નો મળ્યાં નહોતાં. બીજા દિવસે સ્કૂલ આવેલા ૬ સ્ટુડન્ટ્સે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા. એ ઉપરાંત વધુ ૮ સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : એકસાથે ચાર બહેનો પ્રેગ્નન્ટ
ફાયર વિભાગના અધિકારીઓએ બિલ્ડિંગમાં હવાની ગુણવત્તા સલામત હોવાની પુષ્ટિ કર્યા છતાં અઠવાડિયાના બાકીના દિવસો માટે સ્કૂલ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે શુક્રવારે એક ટીખળી સ્ટુડન્ટે પોતે ફાર્ટ સ્પ્રેનો ઉપયોગ કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ સ્પ્રેથી શૌચ અને ઊલટી જેવી વાસ ફેલાઈ જાય છે. જોકે સ્કૂલના અધિકારીઓનું માનવું છે કે આ કારસ્તાન એક જ છોકરાનું નથી.