તાજેતરમાં યુપી પોલીસના ટ્વિટર હૅન્ડલ પર અબજોપતિ ઇલૉન મસ્કના ટ્વીટ જેવી જ પોસ્ટ મૂકવામાં આવી હતી
Offbeat News
યુપી પોલીસના ટ્વિટર હૅન્ડલ પર અબજોપતિ ઇલૉન મસ્કના ટ્વીટ જેવી જ પોસ્ટ મૂકવામાં આવી હતી (સૌજન્ય :યુપી પોલીસના ટ્વિટર હૅન્ડલ)
ઉત્તર પ્રદેશની પોલીસ સોશ્યલ મીડિયામાં ઘણી ઍક્ટિવ રહે છે. વળી આ માધ્યમ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરે છે. તાજેતરમાં યુપી પોલીસના ટ્વિટર હૅન્ડલ પર અબજોપતિ ઇલૉન મસ્કના ટ્વીટ જેવી જ પોસ્ટ મૂકવામાં આવી હતી. ટ્વિટરના નવા માલિકે થોડા દિવસ પહેલાં એક ટ્વીટ કરીને પૂછ્યું હતું કે ‘જો હું ટ્વીટ કરું તો એ કામ ગણાય કે નહીં?’ એના પરથી પ્રેરણા લઈને યુપી પોલીસે પોતાની રીતે એક અલગ ટ્વીટ કરીને પૂછ્યું કે ‘જો યુપી પોલીસ તમારી સમસ્યા ટ્વીટ દ્વારા ઉકેલે તો એને કામ ગણી શકાય ખરું?’ વળી માત્ર સવાલ જ નહોતો પૂછ્યો. યુપી પોલીસે એનો જવાબ પણ આપ્યો હતો, ‘હા, એને કામ ગણી શકાય.’
આ પોસ્ટે સોશ્યલ મીડિયામાં ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને અનેક જાતની પ્રતિક્રિયા આવી હતી. એક યુઝરે લખ્યું હતું કે ‘સવાલ પણ તમારો અને જવાબ પણ તમારો. તમારી ઑનલાઇન હાજરી પ્રશંસનીય છે. લોકોની સેવા માટે ટ્વીટનો સારો ઉપયોગ કરો છો.’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘યુપી પોલીસ હંમેશાં કટોકટીની સ્થિતિમાં કરવામાં આવેલી ટ્વીટની ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરે છે.’