મુજાહિદ નામની આ વ્યક્તિનો આરોપ છે કે ઓમપ્રકાશ નામના માણસે તેને છેતરીને સ્થાનિક મેડિકલ કૉલેજમાં તેની સેક્સ-ચેન્જ સર્જરી કરાવી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં ૨૦ વર્ષનો પુરુષ જ્યારે સૂઈને ઊઠ્યો ત્યારે તેને ખબર પડી કે હવે તે સ્ત્રી બની ગયો છે. મુજાહિદ નામની આ વ્યક્તિનો આરોપ છે કે ઓમપ્રકાશ નામના માણસે તેને છેતરીને સ્થાનિક મેડિકલ કૉલેજમાં તેની સેક્સ-ચેન્જ સર્જરી કરાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે મન્સૂરપુરની બેગરાજપુર મેડિકલ કૉલેજમાં બનેલી આ ઘટનામાં ડૉક્ટરોની સાઠગાંઠ પણ સામે આવી છે. ઓમપ્રકાશે મુજાહિદને કહ્યું હતું કે તેને મેડિકલ સમસ્યા છે એટલે હૉસ્પિટલ લઈ જવો પડશે. દરમ્યાન ઓમપ્રકાશના કહેવાથી ડૉક્ટરોએ મુજાહિદનું ગુપ્તાંગ કાઢીને બળજબરીથી લિંગ-પરિવર્તન કરી નાખ્યું હતું. હૉસ્પિટલના સ્ટાફે મુજાહિદને ઍનેસ્થેસિયા આપીને સર્જરી કરી હતી. આ માણસ સૂઈને ઊઠ્યો ત્યારે તે જાણીને ચોંકી ગયો હતો કે હવે તે પુરુષ નહીં, સ્ત્રી બની ગયો છે.
મુજાહિદનું કહેવું છે કે ઓમપ્રકાશ તેને છેલ્લાં બે વર્ષથી હેરાન કરી રહ્યો છે અને તેની સાથે રહેવા માટે દબાણ કરી રહ્યો છે. ઓમપ્રકાશે તેને કહ્યું હતું કે ‘મેં તને પુરુષમાંથી સ્ત્રી બનાવી નાખ્યો છે અને હવે તારે મારી સાથે જ રહેવું પડશે. મેં તારા માટે કોર્ટ-મૅરેજની તૈયારી પણ કરી લીધી છે. હવે હું તારા પિતાને ગોળી મારી દઈશ અને તારા હિસ્સાની જમીન મારા નામે થઈ જશે.’ પોલીસે ઓમપ્રકાશની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. હવે ગુનેગારને જેકંઈ પણ સજા થાય પણ મુજાહિદની બેહાલ જિંદગીનું હવે શું થશે એ મોટો સવાલ છે.

