દુલ્હને આક્ષેપ કર્યો કે, ‘છોકરાની ચાલ-ચલગત બરાબર નથી’
Offbeat
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર ફરિયાદ આવી છે. લગ્ન દરમિયાન કિસ કરવી એ યુગલ માટે બહુ સામાન્ય વાત છે. પરંતુ આ દુલ્હન માટે કદાચ એ હરકત સામાન્ય નહીં હોય! લગ્ન સમારોહ દરમિયાન વરરાજાએ બધાની સામે દુલ્હનને કીસ કરી. દુલ્હાએ આમ કિસ કરતા દુલ્હન વિફરી હતી અને તે મંડપ છોડીને સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ત્યાં તેણે પોલીસમાં ફરિયાદ કરીને વરરાજા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
૨૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન, બદાઉન જિલ્લાના બિલસી ગામના એક યુવકના લગ્ન સંભલના પાવાસામાં એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ ૨૮મી નવેમ્બરે પાવાસા ગામમાં ધાર્મિક વિધિપૂર્વક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં વરમાળાના કાર્યક્રમ બાદ વર-કન્યા સ્ટેજ પર બેઠા હતા. પછી તે જ સમયે વરરાજાએ બધાની સામે સ્ટેજ પર દુલ્હનને કિસ કરી હતી જેથી તે ગુસ્સે થઈ અને ત્યાંથી ઊભી થઈ અને રૂમમાં જતી રહી હતી. પરિવારના સભ્યોએ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતી અને તેણે સ્ટેજ પર જવાની ના ઘસીને ના પાડી દીધી હતી.
ADVERTISEMENT
બાદમાં, દુલ્હન તેના પરિવારના સભ્યો સાથે બહજોઈ પોલીસ સ્ટેશન પહોંચી અને સ્ટેશન ઈન્ચાર્જ પંકજ લાવાનિયાને વરરાજાની હરકતો વિશે જણાવ્યું હતું. આ દરમિયાન વરરાજાના પક્ષના લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ત્યાં દુલ્હને બધાની સામે કહ્યું હતું, ‘હું હવે તેની (વર) સાથે રહેવા માંગતી નથી. હું મારા ઘરે રહીશ. મને તેમનું વર્તન ગમતું નથી. જે વ્યક્તિ ૩૦૦ લોકોની સામે આવું કૃત્ય કરી શકે છે, તે કેવી રીતે સુધરશે. એટલા માટે તેમની સામે આ કૃત્ય માટે કાર્યવાહી થવી જોઈએ.’
આ પણ વાંચો – લગ્ન દરમિયાન લેપટૉપ પર કામ કરતો દેખાયો દુલ્હો, કૅપ્શન આપ્યું WFH
બીજી તરફ વર પક્ષે પણ પોલીસ સ્ટેશનમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘દુલ્હન પોતે જ વર સાથે શરત લગાવી હતી. જે મુજબ, જો વરરાજા તેને સ્ટેજ પર બધાની સામે કિસ કરશે તો તે તેને ૧૫૦૦ રૂપિયા આપશે અને જો તે આવું ન કરી શકે તો તેણે દુલ્હનને ૩૦૦૦ રૂપિયા આપવા પડશે.’ જ્યારે સ્ટેશન ઈન્ચાર્જે દુલ્હન સાથે આ અંગે વાત કરી તો તેણે કહ્યું કે એવું કંઈ નથી. તેણે વરરાજા સાથે કોઈ શરત રાખી નોહતી.
આ બાબતે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલુ રહી હતી. જે બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ કે વર અને કન્યા હવે અલગ-અલગ રહેશે. તેમના લગ્ન રજિસ્ટર્ડ છે તેથી તેઓએ છૂટાછેડા લેવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.