આબેહૂબ એવો જ ચહેરો
બાળક ઑસ્ટીન અને મૅનિકિન
બ્રિટનના વેલ્સ પ્રાંતના પોવીસ શહેરના યસ્ત્રાદગાઇનાઇસ પરાના માર્ક્સ અ’ન્ડ સ્પેન્સર સ્ટોરમાં ખરીદી કરવા ગયેલી એક કન્યાએ બાળકોનાં કપડાંના ડેમોન્સ્ટ્રેશન માટે બનાવેલું મૅનિકિન (કપડાં પહેરાવેલું પૂતળું) જોયું. એ પૂતળાનો ચહેરો કન્યાના નાનકડા કઝિનના ચહેરાને મળતો આવતો હતો. તેણે મોબાઇલ ફોનમાં એ પૂતળાનો ફોટો લઈને તેની આન્ટી લુઈ (બાળકની મમ્મી)ને મોકલ્યો. લુઈઆન્ટી તો ફોટો જોઈને ખુશ થઈ ગયાં. તેમણે એ ફોટો તેમના દીકરાને બતાવ્યો. આબેહૂબ એવો જ ચહેરો. ફોટો જોતી વખતે જાણે દીકરાનો ચહેરો અરીસામાં જોતાં હોય એવું લાગે.
પાયજામો પહેરેલા એ પૂતળાને જોઈને બાળક ‘ઑસ્ટીન’ને ઘણું અચરજ થયું. બાળકે કહ્યું ‘એ મારા જેવો દેખાય છે. હું ત્યાં શું કરું છું? આ હું નથી. આ કોણ છે?’’ તે વારંવાર એ ફોટો જોયા કરતો હતો. તેને કાંઈ સમજાતું નહોતું. ત્યાર પછી લુઈ દીકરા ઑસ્ટીનને તેના ‘હમશકલ’ કે ‘ડબલ’ને મળવા માટે માર્ક્સ ઍન્ડ સ્પેન્સર સ્ટોરમાં લઈ ગઈ. સ્ટોરના કર્મચારીઓ ઑસ્ટીનને જોઈને ખુશ થઈ ગયા. તેમણે ઑસ્ટીનને પેલા પૂતળાએ જે ડ્રેસ પહેર્યો હતો એ જ ડ્રેસ પહેરાવ્યો. એ ઘટનામાં માતા-પુત્ર બન્નેને રમૂજ થઈ હતી. ઑસ્ટીનનું તો હસવાનું રોકાતું નહોતું. તેને લાગતું હતું જાણે તે તેનો જોડિયો ભાઈ હોય.