એ બ્રિજની પહોળાઈ અને આ બંને કાર્સની સાઇઝ જોતાં આ કારો એકબીજાની બાજુમાંથી પસાર થાય એ શક્ય નથી
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક સાંકડા બ્રિજ પરથી સામસામેથી પસાર થતી બે કાર્સનો એક વિડિયો સૌકોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે. નેક્સ્ટ લેવલ સ્કિલ્સ નામના ટ્વિટર હૅન્ડલ પર સોમવારે આ શૉર્ટ ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી અને ત્યારથી એણે ૮૦ લાખથી વધારે વ્યુઝ મેળવ્યા છે. એક મિનિટ અને ૨૪ સેકન્ડ્સના આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક સાંકડા બ્રિજ પર બે એસયુવી સામસામે આવી રહી છે. એ બ્રિજની પહોળાઈ અને આ બંને કાર્સની સાઇઝ જોતાં આ કારો એકબીજાની બાજુમાંથી પસાર થાય એ શક્ય નથી. જોકે આવી સ્થિતિમાં એક ડ્રાઇવરે આ પ્રૉબ્લેમનું સોલ્યુશન લાવવાનું નક્કી કર્યું.
બીજી કારને જવા માટે જગ્યા થઈ શકે એ માટે આ ડ્રાઇવર પોતાની કારને સહેજ એ રીતે નમાવી લે છે કે એના લીધે એની કારનાં બે વ્હીલ્સ બ્રિજની પાળી પર રહે છે. તે એ રીતે બીજી કારની બાજુમાંથી પસાર થાય છે એટલું જ નહીં, બીજી કાર પાસેથી પસાર થયા પછી આ ડ્રાઇવર ધીરે-ધીરે પોતાની કારનાં બંને વ્હીલ્સને પાળી પરથી ગ્રાઉન્ડ પર લાવે છે. આ વિડિયોનું લોકેશન જાણી શકાયું નથી. જોકે એક વાત નક્કી છે કે આ કારનો ડ્રાઇવર ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મ માટે પર્ફેક્ટ છે, કેમ કે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં કાર સ્ટન્ટ્સ ખૂબ જોવા મળતા હોય છે.