UPIને કારણે આજે કોઈ પણ વ્યક્તિ કંપનીને શરૂ કરી શકે છે
પ્રતિકાત્મક તસવીર
એક સમય એવો હતો જ્યારે આપણે બૅન્કિંગ-સિસ્ટમથી કોઈની સાથે પૈસાની લેવડદેવડ કરવી હોય તો એમાં બેથી ત્રણ દિવસ નીકળી જતા હતા અને ચેકને પાસ કરાવવા માટે એકથી વધારે અપ્રૂવલ્સ પણ લાગતા હતા. આ બધા કામમાં લોકોના સમયની સાથે પૈસાનો પણ વેડફાટ થતો હતો અને એના પુરાવા આપતા આંકડાઓ પણ આપણા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે હવે જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફત કરવામાં આવતા વ્યવહારને લીધે દરેક ટ્રાન્ઝૅક્શનનો ખર્ચ ૮૦૦-૯૦૦ રૂપિયાથી ઘટીને માત્ર ૧-૨ રૂપિયા થઈ ગયો છે.
UPI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળની વિચાર-પ્રક્રિયાને સમજાવતાં અશ્વિની વૈષ્ણવ કહે છે, ‘UPIને કારણે આજે કોઈ પણ વ્યક્તિ કંપનીને શરૂ કરી શકે છે. ટ્રાન્ઝૅક્શન-ખર્ચમાં ઘટાડાને લીધે ઘણાં બધાં અકલ્પનીય ઇનોવેશનને શક્ય બનાવ્યાં છે.’ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં દેશમાં ૪૪ કરોડ UPI યુઝર્સ હતા. આ ઉપરાંત UPI મારફત દેશમાં જાન્યુઆરીમાં ૧૨૦૦ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં.