ટોક્યોમાં આવેલી ડેબુ-ચાન નામની રેસ્ટોરાંને આ જૂનમાં પાંચ વર્ષ પૂરાં થશે
Offbeat News
જપાનની રેસ્ટોરાંએ જમતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
જપાનની અમુક ખાસ પ્રકારની નૂડલ્સ પીરસતી રેસ્ટોરાંમાં એવો નિયમ છે કે ઝડપથી ભોજન ખાઓ અને બહાર નીકળો. આવી જ નૂડલ્સની દુકાનના માલિકે આ રિવાજને એટલી ગંભીરતાથી લીધો હતો કે તેણે ગ્રાહક ખાવામાં કેટલો સમય લે છે એ નોંધવાનું શરૂ કર્યું. તેણે જોયું કે મોબાઇલ પર વિડિયો જોતા લોકો બાઉલમાં સૂપ પીરસવામાં આવે છતાં એને ખાવામાં બહુ વાર લગાડતા હતા. પરિણામે તેણે આ મામલો પોતાના હાથમાં લીધો. ટોક્યોમાં આવેલી ડેબુ-ચાન નામની રેસ્ટોરાંને આ જૂનમાં પાંચ વર્ષ પૂરાં થશે. રેસ્ટોરાંના માલિકે દુકાનમાં ભીડ હોય ત્યારે ગ્રાહકને સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો, જેથી આ મુદ્દો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. માલિકે જણાવ્યા પ્રમાણે એક ગ્રાહકે ચાર મિનિટ સુધી ફૂડ પીરસ્યા છતાં ખાવાનું શરૂ કર્યું નહોતું, કારણ કે તે વિડિયો જોતો હતો, જેથી તેનું ફૂડ ઠંડું પડી ગયું હતું. માલિકે જણાવ્યા પ્રમાણે તેઓ જે રેમન નામના નૂડલ્સ આપે છે એ માત્ર એક મિલીમીટર પહોળી હોય છે, એથી એને ઝડપથી ખાવી પડે. ચાર મિનિટ રાહ જુઓ તો ફૂડ ખરાબ થઈ જાય. વળી ભોજન માટે રેસ્ટોરાંની બહાર ૧૦ લોકો લાઇનમાં ઊભા હોય તો આ રીતે સમય બગાડવો યોગ્ય નથી. માલિકે ફોન વાપરવો નહીં એવી કોઈ સૂચના રેસ્ટોરાંમાં મૂકી નથી, પણ એને બદલે તે જાતે જ ગ્રાહકને વિનંતી કરે છે, કારણ કે તેને માટે રેમન નૂડલ્સ અન્ય ફૂડ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.