તેઓ સંત રવિદાસ અને ભીમરાવ આંબેડકરના સિદ્ધાંતને અનુસરે છે
ફકીરચંદ દાસ
બિહારના ગયા જિલ્લાના જલાલપુર ગામમાં રહેતા ફકીરચંદ દાસ હંમેશાં ખુલ્લા પગે ચાલે છે. કડકડતી ઠંડી હોય તો પણ અને ધોમધખતી ગરમી હોય તો પણ. પાકી સડક હોય કે કાચો અને પથરાળ રસ્તો હોય ફકીરચંદને કોઈ ફરક નથી પડતો. છેલ્લાં ૫૦ વર્ષથી તેઓ ખુલ્લા પગે ચાલે છે. ફકીરચંદનું કહેવું છે કે તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી જૂતાં-ચંપલ પહેરવાનું બંધ કરી દીધેલું અને આજીવન ખુલ્લા પગે જ ચાલવાનો સંકલ્પ કરી લીધો હતો. ફકીરચંદ છેલ્લાં પચીસ વર્ષમાં અનેક રાજકીય દળો સાથે સંકળાયેલા હતા અને હાલમાં રાષ્ટ્રીય જનતા દળ સાથે છે. સંત રવિદાસના ભક્ત હોવાથી તેમણે આ અઘરો સંકલ્પ કર્યો છે. તેઓ સંત રવિદાસ અને ભીમરાવ આંબેડકરના સિદ્ધાંતને અનુસરે છે. તેમનું કહેવું છે કે ‘જ્યારે મેં આ નિર્ણય લીધો ત્યારે અનેક લોકો પૈસાના અભાવે પણ જૂતાં-ચંપલ અફૉર્ડ નહોતા કરી શકતા. પગ તળે જીવહિંસા ન થાય એ માટે મેં આ સંકલ્પ લીધો છે. જેમ ભગવાન રામ ખુલ્લા પગે વનવાસ ગયા હતા અને પૌરાણિક ઋષિમુનિઓ પણ ખુલ્લા પગે જ ચાલતા હતા એટલે મેં આ નિર્ણય લીધો છે.’