આ સીડી ચર્ચમાં રિપેર કરવા માટે આવેલા એક કડિયાની હતી.
૨૬૬ વર્ષથી સીડી કેમ ત્યાંની ત્યાં?
ધાર્મિક સ્થળોનો વિવાદ વિશ્વમાં ઘણાં સ્થળોએ જોવા મળે છે જેના કારણે ત્યાં ખાસ કંઈ ફેરફાર પણ થતો નથી. આવું જ કંઈક વિવાદ ખ્રિસ્તી ધર્મના પવિત્ર સ્થળ પૈકી એક ઇઝરાયલની રાજધાની જેરુસલેમમાં આવેલા ચર્ચમાં પણ છે. ત્યાં એક લાકડાની સીડી છે જે ૨૬૬ વર્ષથી એક જ સ્થળે છે. આ સીડીના દેખાવની કંઈ વિશિષ્ટતા નથી, પરંતુ ધામિર્ક સંઘર્ષને ટાળવા માટે એને યથાવત્ સ્થિતિમાં રાખવામાં આવી છે. જેરુસલેમમાં આવેલા ચર્ચ ઑફ હોલી સેપલ્ચર પાસે એક સીડી છે. લોકો ચોથી સદીથી આ સ્થળે તીર્થયાત્રા માટે આવે છે.
ADVERTISEMENT
ખ્રિસ્તી ધર્મમાં થયેલા ફેરબદલ અને વિવિધ જૂથો બનવાને કારણે એમાં સંઘર્ષ થયા કરતો હતો. આખરે એ સમયના ઓટ્ટોમન સામ્રાજય અને યુરોપિયન દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તમામ ખ્રિસ્તી સંપ્રદાયોની સંમતિ વિના કોઈ પણ વસ્તુને એની સ્થિતિમાં હટાવવામાં નહીં આવે. આ નિર્ણય છ સંપ્રદાયોએ ભેગા મળીને કર્યો હતો, કારણ કે એ પહેલાં ખુરશીને માત્ર ૨૦ સેન્ટિમીટર ખસેડવાને મામલે પણ સંપ્રદાયો લડતા હતા. પરિણામે જે વસ્તુ જ્યાં હતી ત્યાં જ રાખવી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સીડી ચર્ચમાં રિપેર કરવા માટે આવેલા એક કડિયાની હતી. એને પણ જ્યાંની ત્યાં જ છોડી દેવામાં આવી હતી. ૧૭૨૮માં ચર્ચની કોતરણીમાં પણ સીડીને દેખાડવામાં આવી છે જે બતાવે છે કે કેટલા લાંબા સમયથી એ ત્યાં છે. એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ સીડી ત્યાંથી હટાવી હતી. જોકે ત્યાર બાદ એને પાછી મૂળ સ્થળે મૂકવામાં આવી હતી. માત્ર બારીમાં એક જાળી લગાવવામાં આવી હતી.