હિરોયુકા નાકાગોવા ૨૦૧૧ના જપાનના બરફીલા પ્રદેશમાં કેરી ઉગાડે છે
Offbeat News
સૌથી મોંઘી કેરી
જપાનના હોક્કાઇડુ ટાપુ પર એક ધુમ્મસવાળા ગ્રીન હાઉસની અંદર હિરોયુકા નાકાગોવા ઝાડ પર પાકેલી કેરી તોડે છે અને એને પૅક કરે છે. ડિસેમ્બરમાં બહારનું તાપમાન માઇનસ ૮ ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ગ્રીન હાઉસની અંદર થર્મોમીટર ૩૬ ડિગ્રી સેલ્સિસની આસપાસ દેખાડે છે. હિરોયુકા નાકાગોવા ૨૦૧૧ના જપાનના બરફીલા પ્રદેશમાં કેરી ઉગાડે છે. તેની એક કેરીની કિંમત ૨૩૦ ડૉલર (અંદાજે ૧૯,૦૦૦ રૂપિયા) છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કેરીની આટલી કિંમત આવશે. અગાઉ વર્ષો સુધી ૬૨ વર્ષના હિરોયુકા નાકાગોવા પેટ્રોલિયમ કંપની ચલાવતા હતા. મિયાઝાકીના એક ખેડૂતે હિરોયુકા નાકાગોવને કહ્યું કે શિયાળામાં પણ કેરી ઉગાડવી શક્ય છે. તેમની કેરીની બ્રૅન્ડને હકુગિન નો તાઇકો તરીકે ટ્રેડમાર્ક આપ્યો હતો જેનો અર્થ થાય છે બરફમાં સૂર્ય. હિરોયુકા નાકાગોવાનું વતન બરફ અને ગરમ ઝરણાં માટે જાણીતું છે. શિયાળામાં તે બરફનો સંગ્રહ કરે છે અને ઉનાળામાં એના ઉપયોગથી ગ્રીન હાઉસને ઠંડું રાખે છે. એને કારણે આંબાને મોર આવવામાં વિલંબ થાય છે. ત્યાર બાદ શિયાળામાં ગ્રીન હાઉસને ગરમ રાખવા માટે કુદરતી ગરમ પાણીનાં ઝરણાંનો ઉપયોગ કરે છે અને સીઝનમાં અંદાજે ૫૦૦૦ કેરીની લણણી કરે છે. ઠંડીમાં કેરી પાકતાં આસપાસ બહુ ઓછા જંતુઓ હોય છે, પરિણામે જંતુનાશકનો ઉપયોગ થતો નથી. વળી ઉનાળામાં જેમ મજૂરની અછત હોય એવી અછત શિયાળામાં નથી હોતી. હિરોયુકા નાકાગોવાનો દાવો છે કે તેની કેરી અન્ય કેરી કરતાં ઘણી મીઠી છે. ૨૦૧૪માં ટોક્યોના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેરી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં એક કેરી ૪૦૦ ડૉલર (અંદાજે ૩૩,૦૦૦ રૂપિયા)માં વેચાઈ હતી અને એને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. ત્યાર બાદ તેને વેબસાઇટ પર જ ઑર્ડર મળી જાય છે.