આ મંદિર આવતા વર્ષ સુધી પૂર્ણ થાય એવી આશા છે. અગાઉ સ્વામી દયાનંદ પુરી અહીં રહેતા હતા
મંદિર ની તસવીર
જ્યારે આખો દેશ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ધાર્મિક પ્રસંગની તૈયારી કરી રહ્યો છે ત્યારે આજે અમે તમને ભગવાન શ્રીરામના એક એવા ભવ્ય મંદિર વિશે જણાવવાના છીએ જે પોતાનામાં જ અદ્ભુત છે અને આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લાં ૨૫ વર્ષથી ચાલી રહ્યું છે. આ મંદિર હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સુંદરનગરમાં મહાદેવ ગામમાં આવેલું છે.
આ મંદિરનું નિર્માણ ૭૯ વર્ષના પદમ સિંહ દ્વારા ૧૯૯૮માં વિજયાદશમીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. પદમ સિંહે જણાવ્યું કે મંદિરને એક અલગ લુક આપવા માટે મેં દરેક પથ્થર પર રામનું નામ કોતરવાનું વિચાર્યું અને પછી એક દિવસ મેં જાતે જ આ કામ શરૂ કર્યું. બે વર્ષ જાતે આ કામ કર્યા બાદ આ કામ મિસ્ત્રીને સોંપવામાં આવ્યું હતું. ત્યાર પછી આ સિલસિલો આમ જ ચાલતો રહ્યો અને આજે પચીસ વર્ષ પછી મંદિરનું ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ADVERTISEMENT
આ મંદિર આવતા વર્ષ સુધી પૂર્ણ થાય એવી આશા છે. અગાઉ સ્વામી દયાનંદ પુરી અહીં રહેતા હતા, જેમણે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમની સમાધિ બાદ અહીં હનુમાન મંદિરનું નિર્માણ થવાનું હતું, પરંતુ ભાષા અને સંસ્કૃતિ વિભાગ તરફથી રામ-હનુમાન મંદિરની પરવાનગી મળી હતી એટલે ત્યાર બાદ રામમંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.ગવડ ગામના રહેવાસી બિહારીલાલ છેલ્લાં ૨૩ વર્ષથી આ મંદિરના દરેક પથ્થર પર રામનું નામ લખી રહ્યા છે. તેઓ એકમાત્ર મિસ્ત્રી છે જેઓ આ કામ કરી રહ્યા છે. બિહારીલાલે કહ્યું કે દરેક પથ્થર પર રામનું નામ યોગ્ય રીતે કોતરવામાં અને વિવિધ પ્રકારની ધાર્મિક આકૃતિઓ બનાવવામાં ઘણો સમય લાગે છે. મંદિરના નિર્માણ માટે શ્રીરામ હનુમાન સેવા સમિતિના નામે એક સમિતિની રચના કરવામાં આવી છે. પરસ્પર સહકારથી સમિતિના સભ્યો દર મહિને અમુક રકમ દાન આપી મંદિરનું કામ કરાવી રહ્યા છે, તો કેટલાક સેવાભાવી સજ્જનો પણ આમાં મદદ કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસી ઉત્કર્ષ ચૌધરીએ જણાવ્યું કે મંદિરનિર્માણ માટે અત્યાર સુધી ૪૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ કરવા માટે હજી પાંચ લાખ રૂપિયાની જરૂર છે.
અલબત્ત આ મંદિરને બન્યાને ૨૫ વર્ષથી વધુ સમય થયો છે અને આ ૨૫ વર્ષની મહેનત આ મંદિરની ભવ્યતામાં સ્પષ્ટ દેખાય છે.