રૉબર્ટે આ બર્ગર લોકલ ફૂડ-બૅન્કને વેચ્યું હતું અને એ પૈસા તેણે દાનમાં આપ્યા હતા.
અજબગજબ
ધ ગોલ્ડન બૉય
બર્ગર આજે પીત્ઝા અને સૅન્ડવિચ જેટલું જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ બની ગયું છે. જુદા-જુદા બર્ગર આઉટલેટમાં બર્ગર કે હૅમ્બર્ગરની કિંમત લગભગ સરખી જ હોય છે. જોકે નેધરલૅન્ડ્સમાં વેચાતા હૅમ્બર્ગરની કિંમત સાંભળીને તમને બહુ આશ્ચર્ય થશે. ગેલ્ડરલૅન્ડના વુર્થુઝેનમાં આવેલી ડાલ્ટન્સ રેસ્ટોરાંમાં વિશ્વનું સૌથી મોંઘું હૅમ્બર્ગર વેચાય છે જેની કિંમત લાખોમાં છે. શેફ રૉબર્ટે ૫૦૦૦ યુરો એટલે કે ૪,૪૭,૩૩૨ રૂપિયાનું બર્ગર રજૂ કર્યું હતું. આ હૅમ્બર્ગર એક વ્યક્તિ ખાઈ શકે એટલું નૉર્મલ સાઇઝનું જ છે, પણ એની કિંમત એટલા માટે વધારે છે કેમ કે એને ગોલ્ડથી રૅપ કરવામાં આવ્યું છે. આ હૅમ્બર્ગરને ‘ધ ગોલ્ડન બૉય’ નામ આપવામાં આવ્યું છે.
શેફ રૉબર્ટને કોવિડ દરમ્યાન વિશ્વનું સૌથી મોંઘું હૅમ્બર્ગર બનાવવાનો વિચાર આવ્યો હતો. તે એવું બર્ગર બનાવવા માગતો હતો જે માત્ર મોંઘું જ નહીં, સ્વાદમાં પણ સમૃદ્ધ હોય. તેણે ડોમ પેરિગ્નન શૅમ્પેનમાંથી હૅમ્બર્ગરનું બન બનાવીને એને ગોલ્ડન પાનથી વીંટ્યું હતું. આ બર્ગરમાં બીજી ઘણી એક્ઝૉટિક અને નૉન-વેજિટેરિયન આઇટમો વાપરી છે. એમાં સ્ટફ કરવામાં આવેલી ડુંગળી પણ શૅમ્પેનમાં બોળીને વાપરવામાં આવી હતી. આ બર્ગરનો સ્વાદ મીઠો, ખાટો, ખારો, કડવો, સ્પાઇસી અને સ્વાદિષ્ટ છે. ‘ધ ગોલ્ડન બૉય’ને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ‘સૌથી મોંઘા હૅમ્બર્ગર’ તરીકે સ્થાન મળ્યું છે. રૉબર્ટે આ બર્ગર લોકલ ફૂડ-બૅન્કને વેચ્યું હતું અને એ પૈસા તેણે દાનમાં આપ્યા હતા.