બિહારના જમુઈ જિલ્લાના વિઠ્ઠલપુર ગામમાં એક પરિવાર દર ૧૩ ડિસેમ્બરે પોતાની બકરીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી અને ખાસ રીતે મનાવે છે
અજબગજબ
બકરીનો જન્મદિવસ ઉજવતો પરિવાર
બિહારના જમુઈ જિલ્લાના વિઠ્ઠલપુર ગામમાં એક પરિવાર દર ૧૩ ડિસેમ્બરે પોતાની બકરીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી અને ખાસ રીતે મનાવે છે. બકરીનું નામ છે પુષ્પાંજલિ. સિન્ટુ સિંહનો પરિવાર છેલ્લાં ચાર વર્ષથી બકરીનો બર્થ-ડે મનાવવા માટે કેક કાપે છે, ઘરમાં મીઠાઈ બનાવે છે, મહેમાનોને પાર્ટી આપે છે અને સાથે તેમની બકરીને ગિફ્ટ પણ આપે છે. સિન્ટુ સિંહના પરિવારની આ જન્મદિનની પાર્ટીની પાછળ ખૂબ ભાવુક કહાણી છે. તેમનો દીકરો કુશ તેના નાનાને ત્યાંથી પુષ્પાંજલિ નામની એક બકરી લાવ્યો હતો. જોકે ૨૦૨૦માં કુશને કોરોના થયો અને તે મૃત્યુ પામ્યો એટલે પરિવારે કુશ લાવેલો એ બકરીને ઘરના દીકરાની જેમ અપનાવી લીધી. દીકરાનો જન્મ ૧૩ ડિસેમ્બરે થયો હતો એટલે તેમણે પુષ્પાંજલિનો જન્મદિવસ એ જ દિવસે મનાવવાનું નક્કી કરી લીધું. આ જ કારણસર હવે દીકરાની ગેરહાજરીમાં પરિવાર પુષ્પાંજલિ બકરીના જન્મદિનની દાવત આપે છે. આ પાર્ટીમાં કેક કાપવામાં આવે છે અને સગાંસંબંધીઓ તથા મિત્રોને ડિનર-પાર્ટી આપવામાં આવે છે. પાર્ટીમાં આવનારા લોકો બકરી માટે ગિફ્ટ પણ લાવે છે. કોઈ કેરી, કોઈ ફણસ તો કોઈ ખાસ પ્રકારનાં પાંદડાં બકરીને ભેટ આપે છે.