પાણીના પ્રેશરવાળા પમ્પથી સડક પર આવું આર્ટ ક્રીએટ કરનારો કદાચ આ પહેલો વીરલો છે.
અજબગજબ
ચિત્રણ
કહેવાય છે કે કંટાળાજનક કામમાં પણ કંઈક ગમતું ઉમેરણ કરી દો તો ચમત્કાર સર્જાઈ શકે છે. અમેરિકાના ટેક્સસ રાજ્યના ન્યુ બ્રુન્ફેલ્સ શહેરમાં રહેતા સૅમ વાર્ડે પણ આવું જ કંઈક કર્યું છે. કોરોના વખતે લૉકડાઉન દરમ્યાન ઘરમાં રમીને કંટાળેલા બે દીકરાઓને સૅમભાઈએ ખૂબબધા ચૉક લઈને ઘરની બહારના ડ્રાઇવવે પર ચિત્રણ કરવા આપી દીધું. જોકે બાળકો ચિત્રણ કરીને ધરાય એ પહેલાં તો પત્નીનો હુકમ આવી ગયો કે આવું ચિત્રણ ઘરની બહાર નહીં ચાલે. પાણીથી સાફ કરી લો. સૅમને બહુ કંટાળો આવતો હતો, પણ રસ્તો સાફ તો કરવો જ રહ્યો એટલે તેણે પ્રેશર પમ્પવાળા વૉશરથી રસ્તા પર ધાર કરવાની શરૂઆત કરી. એ ધારથી પહેલાં તો તેણે સર્કલ, સ્ક્વેર એમ શેપ્સ બનાવવાનું શરૂ કર્યું અને એમાં મજા પડવા માંડી એટલે તેણે પાણીની ધાર વડે રોડ પર આકૃતિઓ ઉપસાવવાનું શરૂ કર્યું. એમાં પણ મજા પડવા માંડી. શરૂઆતમાં જે ચિત્રણ તૈયાર થયાં એને સોશ્યલ મીડિયા પર મૂકવાનું શરૂ કર્યું. લોકોએ તેની કળાને વખાણી અને પછી તો લૉકડાઉનમાં કંટાળો દૂર કરવા માટે સૅમભાઈએ ઘરની બહારની ડ્રાઇવવેની સડક પર પોતાની કલાકારી બતાવવાનું શરૂ કરી દીધું. સોશ્યલ મીડિયા પર હવે સૅમને લોકો પાવર-વૉશર વાન ગૉઘ’ના હુલામણા નામે ઓળખવા લાગ્યા છે. પાણીના પ્રેશરવાળા પમ્પથી સડક પર આવું આર્ટ ક્રીએટ કરનારો કદાચ આ પહેલો વીરલો છે.