બન્ને બહેનોએ સાથે જન્મદિવસ મનાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ જોડિયા બહેનોએ તેમનો ૯૯મો જન્મદિન સાથે મનાવ્યો
અમેરિકાના ફ્લૉરિડાની બે જોડિયા બહેનો એરા લકી ડૅનિયલ અને વેરા રોઝિયરે સમાજના સભ્યો વચ્ચે બુધવારે તેમનો ૯૯મો જન્મદિન સાથે મળીને મનાવતાં તેમને માટે એ અતિ દુર્લભ સીમાચિહ્નરૂપ જન્મદિવસ બની રહ્યો હતો. બન્ને બહેનોના જન્મદિન નિમિત્તે ગલ્ફ કરેક્શનલ ઇન્સ્ટિટ્યુશનના વૉર્ડને ગલ્ફ કાઉન્ટી સિનિયર સિટિઝન્સ સેન્ટર સાથે મળીને પાર્ટીનું આયોજન કર્યું હતું. બન્ને બહેનોએ સાથે જન્મદિવસ મનાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
બન્ને જોડિયા બહેનોનાં બાળકોએ પોતાની મમ્મી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. એરા ડૅનિયલની પુત્રી વિટાએ એકલા હાથે ત્રણ સંતાનોનો ઉછેર કરવા બદલ મમ્મીની પ્રશંસા કરી હતી, જ્યારે વેરા રોઝિયરની દીકરી લિન્ડાએ તેની મમ્મીને સૌથી શ્રેષ્ઠ અને પ્રેમાળ માતા ગણાવી હતી.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ૨૦૦૨ મુજબ એકસરખી દેખાતી બે બહેનોએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં હોય એવો કિસ્સો ૭૦ કરોડ લોકોમાં એક વાર બને છે. ૨૦૨૧ની પહેલી સપ્ટેમ્બરે જપાનના ઓઇટામાં એકસમાન જોડિયા બહેનો ઉમેનો સુમિયામા અને કૌમે કોડામાને ૧૦૭ વર્ષ અને ૩૦૦ દિવસની વયે ‘સૌથી વૃદ્ધ’ જોડિયા બહેનોનો રેકૉર્ડ હાંસલ કર્યો હતો.