જાન્યુઆરીથી જૂન સુધીમાં ઘર ખરીદનારાઓની ટકાવારી વધીને થઈ ૧૬ ટકા : ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં ઘર ખરીદનારાઓની ટકાવારી સૌથી વધુ ઊંચાઈએ
લાઇફમસાલા
મુંબઈ
મુંબઈ જેવા શહેરમાં ઘર ખરીદવું સહેલું નથી, પરંતુ હાલમાં આંકડાઓને જોતાં આ વર્ષે ઘર ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં ઘર ખરીદનારાઓની ટકાવારીમાં ૧૬ ટકાનો વધારો થયો છે. ઘર જ નહીં, ઑફિસને લીઝ પર આપવાની ટકાવારીમાં પણ ૭૯ ટકાનો વધારો થયો છે. ભારતનાં આઠ શેહરમાં છેલ્લાં દસ વર્ષમાં ઘરની ખરીદીની આ ટકાવારી સૌથી ઊંચાઈએ છે. ૨૦૨૪ના છ મહિનાની અંદર દરેક શહેરની ઍવરેજ ટકાવારીમાં અગિયાર ટકાનો વધારો થયો છે. ઇન્ડિયા રિયલ એસ્ટેટ : રેસિડેન્શિયલ ઍન્ડ ઑફિસ ફૉર જાન્યુઆરી ટુ જુલાઈ રિપોર્ટમાં આ વાત જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ નાઇટ ફ્રૅન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. દિલ્હી-NCRમાં ઘર ખરીદવાની ટકાવારીમાં ચાર ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ઑફિસની ડિમાન્ડ ૧૧.૫ ટકા વધી છે. બૅન્ગલોરમાં ઘરની ટકાવારીમાં ચાર ટકાનો વધારો અને ઑફિસની ડિમાન્ડમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ચેન્નઈમાં રેસિડેન્શિયલ પ્રૉપર્ટીમાં બાર ટકાનો વધારો અને ઑફિસ ડિમાન્ડમાં ૩૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કલકત્તામાં ઘર ખરીદનારાઓમાં ૨૫ ટકાનો વધારો અને ઑફિસની ડિમાન્ડમાં ૨૩ ટકાનો વધારો થયો છે. ટકાવારીની દૃષ્ટિએ ભારતમાં કલકત્તામાં સૌથી વધુ લોકો ઘર ખરીદી રહ્યા છે, પરંતુ યુનિટ પર ધ્યાન આપવામાં આવે તો મુંબઈ વાર્ષિક ૪૭,૨૫૯ યુનિટ સાથે પ્રથમ છે.