જન્મ સમયે વિશ્વનું સૌથી નાનું બાળક 13 મહિના હોસ્પિટલમાં વિતાવ્યા બાદ આખરે તેના માતાપિતા પાસે ઘરે આવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
જન્મ સમયે વિશ્વનું સૌથી નાનું બાળક 13 મહિના હોસ્પિટલમાં વિતાવ્યા બાદ આખરે તેના માતાપિતા પાસે ઘરે આવ્યું છે. કવેક યુ ઝુઆનનું વજન જન્મ સમયે માત્ર 212g હતું, એટલે કે માત્ર એક સફરજનના વજન જેટલું જ. તેણીનો જન્મ 9 જૂન, 2020ના રોજ થયો હતો. અહેવાલો અનુસાર તેણીનો જન્મ માત્ર 25 અઠવાડિયામાં જ થયો હતો. ચાર અઠવાડિયા પ્રિમેચ્યોર આ બાળકીના જન્મ સમયે હોસ્પિટલ સ્ટાફ તરફથી વિશેષ કાળજી લેવામાં આવી હતી.
યુ ઝુઆનની માતાને પ્રી-એક્લેમ્પસિયા હોવાનું નિદાન થયા બાદ તેની ડિલિવરી ઇમરજન્સી સી-સેક્શન દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તે જન્મ સમયે એટલી નાની હતી કે તેને નિયોનેટલ કેર યુનિટમાં મૂકવી પડી હતી. હોસ્પિટલની નર્સ ઝાંગ સુહેએ ધ સ્ટ્રેટ ટાઇમ્સને કહ્યું કે “મને આઘાત લાગ્યો તેથી મેં તે જ વિભાગના પ્રોફેસર સાથે વાત કરી હતી. નર્સ તરીકેના મારા 22 વર્ષોમાં, મેં આટલું નાનું બાળક જોયું નથી.”
ADVERTISEMENT
યુ ઝુઆનનું વજન હવે 6.3 કિલો છે અને નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા 13 મહિના બાદ 9 જુલાઈના રોજ તેણીને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલે તેના ફેસબુક પ્રોફાઇલ પર બાળકની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું હતું કે "અમે નાના લડવૈયા અને તેના પરિવાર માટે ખુશ છીએ, અને અમારી ટીમ દ્વારા આપવામાં આવેલી સાર-સંભાળ પર પણ ગર્વ છે.” એક નિવેદનમાં, હોસ્પિટલે કહ્યું કે યુ ઝુઆન એક `અસાધારણ કોવિડ -19 બાળક` છે.
હોસ્પિટલે જણાવ્યું હતું કે “જન્મ સમયે આરોગ્યની ગૂંચવણો અને મુશ્કેલીઓ સાથે તેણીએ તેની આસપાસના લોકોને તેની દ્રઢતા અને વૃદ્ધિથી પ્રેરિત કર્યા છે, જે તેને અસાધારણ ‘કોવિડ -19 બાળક’ બનાવે છે.” ચાર અઠવાડિયા પહેલા અકાળે જન્મેલા બાળકોનો જીવન દર લગભગ 70 ટકા જેટલો જ હોય છે. NUH ના જણાવ્યા મુજબ, તેઓને સામાન્ય રીતે હોસ્પિટલમાં ચારથી છ મહિના પછી રજા આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યુ ઝુઆનને તેના અત્યંત નાના કદને કારણે 13 મહિના હોસ્પિટલમાં વિતાવવા પડ્યા હતા. વિશ્વના સૌથી નાના બાળકનો અગાઉનો રેકોર્ડ યુ.એસ.માં એક છોકરીના નામે હતો, જેનું વજન 2018માં જન્મ સમયે માત્ર 245 ગ્રામ હતું.

