ભારતીય સંસ્કૃતિમાં સેંથીમાં સિંદૂર એ મહિલા પરણેલી હોવાની નિશાની છે.
માથામાં સિંદૂર
ઇન્દોરની ફૅમિલી કોર્ટે પાંચ વર્ષથી અલગ રહેતાં પતિ-પત્નીને ફરી સાથે રહેવાનો આદેશ આપીને એવી ટિપ્પણી કરી છે જે કદાચ આજ સુધી કોઈએ નહીં સાંભળી હોય. કોર્ટે માથામાં સિંદૂર નહીં લગાવતી પત્નીને કહ્યું કે પત્ની તેની માંગ (સેંથી)માં સિંદૂર ન લગાવે તો એ એક પ્રકારે પતિ સાથે ક્રૂરતા છે, લગ્ન બાદ સિંદૂર લગાવવું એ દરેક પત્નીનું ધાર્મિક દાયિત્વ છે, ભારતીય સંસ્કૃતિમાં સેંથીમાં સિંદૂર એ મહિલા પરણેલી હોવાની નિશાની છે.
૨૦૧૭માં આ દંપતીનાં લગ્ન થયાં હતાં અને તેમને પાંચ વર્ષનો પુત્ર છે. છેલ્લાં પાંચ વર્ષથી પત્ની અલગ રહે છે. પતિએ તેને કાઢી મૂકી નહોતી, પણ તે પોતાની રીતે અલગ થઈ ગઈ હતી. આટલાં વર્ષથી અલગ રહેતી હોવાથી પત્નીએ સિંદૂર લગાવવાનું બંધ કરી દીધું હતું. જોકે પતિએ ફૅમિલી કોર્ટમાં અરજી કરીને તેની પત્ની ફરી ઘરે આવે અને સંસાર માંડે એવી માગણી કરી હતી. ૧૧ પાનાંના ચુકાદામાં કોર્ટે ગુવાહાટી હાઈ કોર્ટના એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પતિએ પત્નીનો ત્યાગ કર્યો નથી, પણ કોઈ પણ કારણ વિના પત્ની તેના પતિથી અલગ રહે છે.
ADVERTISEMENT
પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેની પાસે દહેજ માગવામાં આવ્યું હતું, પતિ નશો કરે છે અને ઘૂંઘટ કાઢવા માટે પરેશાન કરે છે. જોકે આ આરોપ પુરવાર થાય એવા કોઈ દસ્તાવેજ કે પોલીસ-ફરિયાદ જેવી વિગતો તે આપી નહોતી શકી.