ટ્રાન્સફૉર્મર વારંવાર ખોટકાઈ જતું હતું અને વીજપ્રવાહ બંધ થઈ જતો હતો.
ટ્રાન્સફૉર્મરમાંથી ભૂત ભગાડવા તાંત્રિકને બોલાવ્યો
તમેય આવું જ વિચારો છોને કે બસ હવે આ જ જોવાનું બાકી હતું! બિહારના સમસ્તીપુર જિલ્લાના રહટૌલી ગામમાં અંધવિશ્વાસનું ભૂત ધૂણ્યું હતું. અહીંના એક ઇલેક્ટ્રિક ટ્રાન્સફૉર્મરને ભૂત વળગ્યું હોવાની અફવા ફેલાઈ હતી. ગામના લોકો ચિંતાતુર થયા કે હવે શું થશે? ભૂત તો ભગાડવું જ પડશે. એટલે એક તાંત્રિકને પકડી લાવ્યા. તાંત્રિક પણ કલાકાર નીકળ્યો. એ ટ્રાન્સફૉર્મરની સામે ઊભો રહી ગયો અને ભૂત ભગાડવા માટે ઢોલનગારાં વગાડી-વગાડીને અગડમબગડમ કંઈક ગાવા માંડ્યો. એ પછી જાણે ટ્રાન્સફૉર્મર ભૂતના વળગાડથી મુક્ત થયું હોય એમ નીચે ભગવાન વિશ્વકર્માનો ફોટો મૂકીને પૂજા કરવામાં આવી. ભૂત વળગ્યું હોવાની અફવાનું કારણ બહુ મજાનું છે. ટ્રાન્સફૉર્મર વારંવાર ખોટકાઈ જતું હતું અને વીજપ્રવાહ બંધ થઈ જતો હતો. રીપેરિંગ કરાવે તો પાછું બગડી જતું હતું એટલે મેકૅનિકે કહી દીધું કે ટ્રાન્સફૉર્મરને ભૂત વળગ્યું છે! બોલો છેને, કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.

