ઑસ્ટિનમાં આવેલી યુનિવિર્સિટી ઑફ ટેક્સસના ડેવલપર્સે કહ્યું કે જો હૃદયરોગની સમસ્યા વહેલી ખબર પડે તો એની સારવાર સહેલી છે.
Offbeat News
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વિકસાવ્યું છે જે હૃદયના ધબકારાને ચકાસીને બીમારીનાં ચિહ્નો શોધી શકે છે. આ ડિવાઇસને ઈ-ટૅટૂ કહેવામાં આવે છે, કારણ કે એ દેખાવમાં એક ટેમ્પરરી ટૅટૂ સ્ટિકર જેવું છે, જેમાં બે વાયર સેન્સર છે અને એ હૃદયનાં બે કાર્યોને સતત માપે છે. એ હૃદયના ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રામ (ઈસીજી) અને સિસ્મોકાર્ડિયોગ્રામ (એસસીજી) બન્ને માપી શકે છે. આ ડિવાઇસ હૃદયના વાલ્વ દ્વારા ઉત્પન્ન થતાં સ્પંદનોને માપે છે. ક્રેડિટ કાર્ડની સાઇઝવાળું ઈ-ટૅટૂ પહેલું એવું ઉપકરણ છે જે આ બન્ને ટેસ્ટ એક જ સમયે કરી શકે છે.
ઑસ્ટિનમાં આવેલી યુનિવિર્સિટી ઑફ ટેક્સસના ડેવલપર્સે કહ્યું કે જો હૃદયરોગની સમસ્યા વહેલી ખબર પડે તો એની સારવાર સહેલી છે. યુનાઇટેડ કિંગડમમાં ૩ લાખથી વધારે લોકો એવા છે જેમાં હાર્ટ રિધમ ડિસઑર્ડર છે. એ સ્ટ્રોકનું જોખમ વધારે છે. વધારે પડતા ઊબકા, હાર્ટબર્ન અને પરસેવા જેવા હૃદયરોગનાં લક્ષણો ધરાવતા લોકોને પણ ઈ-ટૅટૂ આપી શકાય છે. આ ડિવાઇસ જ્યાં વિકસાવાયું છે ત્યાંના પ્રોફેસરના મતે જો ઘરે મોબાઇલ મૉનિટરિંગ હોય તો આપણે હૃદયરોગની સમસ્યાનું વહેલું નિદાન કરી શકીએ. આમ ૮૦ ટકા હૃદયરોગને અટકાવી શકાય. હાલ તો હૃદયરોગની શંકા ધરાવનાર પેશન્ટને હૉસ્પિટલમાં રાખવામાં આવે છે જેની સરખામણીમાં ઈ-ટૅટૂ વધુ આરામદાયક છે. સ્માર્ટવૉચ ઈસીજી તો માપી શકે, પરંતુ એસસીજી ન કરી શકે, જેને સામાન્ય સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને તપાસવામાં આવે છે. ઈ-ટૅટૂ આ બન્ને ટેસ્ટની માહિતી ડેટા બ્લુટૂથ દ્વારા એક ઍપ પર મોકલવામાં આવે છે જેને પેશન્ટની મેડિકલ ટીમ જોઈ શકે છે. ડેવલપર દ્વારા ૨૦ વર્ષની આસપાસની વયના પાંચ સ્વસ્થ પુરુષો પર આ ડિવાઇસનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં અન્ય ડિવાઇસની સરખામણીમાં ભૂલનું પ્રમાણ ઘણું ઓછું છે. આમ આ ઈ-ટૅટૂ હૃદયરોગ હોય, પરંતુ એના ધબકારા સામાન્ય હોય એવા લોકોને શોધવામાં સરળ પડશે.