રોગચાળામાં સ્ટાફની તંગીને પહોંચી વળવા ચીન-જપાન-સિંગાપોરમા રોબો વપરાય છે
રોબો
રોગચાળામાં કામદારોની તંગીને પહોંચી વળવા માટે અનેક દેશોમાં યંત્રમાનવોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ચીનની વુહાન તથા અન્ય શહેરોની હૉસ્પિટલોમાં દરદીઓની સારવાર તેમ જ તબીબી કર્મચારીઓની સલામતી માટે હાઇટેક સાધનો વપરાઈ રહ્યાં છે. કેટલાંક મેડિકલ સેન્ટર્સમાં યંત્રમાનવો પણ વપરાય છે. ટેમ્પરેચર લેવા, સફાઈ કરવી, સૅનિટાઇઝેશન કરવું, દરદીઓને જમવાનું પીરસવું જેવાં અનેક કામ રોબો કરે છે. 5G ટેક્નૉલૉજી વડે સક્રિય રોબો ડૉક્ટરોને સ્ટૅટિસ્ટિક્સ તથા રેકૉર્ડ્સ જોવા માટે પણ ઉપયોગી થાય છે. અન્ય અનેક દેશોમાં આવી ટેક્નૉલૉજી વપરાય છે. સિંગાપોરમાં બગીચામાં જતા રોબો ડૉગ મુલાકાતીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગની સૂચના આપતો જોવા મળ્યો હતો. એ ‘યાંત્રિક શ્વાન’ બોસ્ટન ડાયનૅમિક્સે બનાવ્યો છે. જપાનના કન્વિનિયન્સ સ્ટોર્સમાં સાત ફુટ ઊંચા રોબો અન્ય કામદારો જેવું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

