કાળા રંગનું આ પક્ષી સામાન્ય રીતે લાંબું અંતર કાપતું નથી
Offbeat News
કાળા રંગનું ગીધ
અમેરિકામાં જોવા મળતું કાળા રંગનું ગીધ ગુરુગ્રામમાં જોવા મળતાં દિલ્હી એનસીઆરમાં પક્ષીઓની તસ્કરીની શંકામાં વધારો થયો છે. કાળા રંગનું આ પક્ષી સામાન્ય રીતે લાંબું અંતર કાપતું નથી. આ જ પ્રજાતિનું એક પક્ષી અગાઉ નેપાલમાં જોવા મળ્યું હતું, જે આ પક્ષી એશિયામાં જોવા મળ્યાની એકમાત્ર નોંધ છે. પક્ષીપ્રેમીઓના મતે ગુરુગ્રામમાં જોવા મળેલું અમેરિકાનું કાળું ગીધ કેદમાંથી છટકી ગયેલું હોવું જોઈએ. પક્ષીપ્રેમીઓ આ પક્ષીને અહીં જોતાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પક્ષી કૅનેડાથી માંડીને મેક્સિકોના ઉચ્ચ પ્રદેશો સુધી જોવા મળે છે અને એ લાંબા અંતર સુધી ઊડવાનું ટાળે છે એથી ગુરુગ્રામના ચંદુ બુધેરા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી આવે એવી કોઈ શક્યતા નહોતી. આ પક્ષીના ફોટો પક્ષીપ્રેમી અનુરાધા માથુરે લીધા હતા. એવી પણ સંભાવના છે કે નેપાલમાં જોવા મળેલું આ ગીધ પણ એ જ હોઈ શકે છે, જોકે આ પક્ષી એશિયામાં સ્થળાંતર કરે એવી પણ શક્યતા નથી. કોઈએ ખાનગીમાં પોતાની પાસે રાખ્યું હોય અથવા તો પ્રાણી સંગ્રહાલયમાંથી નાસી ગયું હોય અથવા વન્ય જીવોની ગેરકાયદે થતી તસ્કરી દરમ્યાન એ છટકી ગયું હોય એવું પણ બની શકે છે. શનિવારે એક સફાઈ કામદારની નજર એના પર પડી હતી. ત્યાર બાદ અન્ય લોકો એને જોવા માટે ઊમટી પડ્યા હતા. ઉત્તર અમેરિકામાં આ પક્ષીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એનાથી વિપરીત ભારતીય ઉપખંડમાં ૯૫ ટકા ગીધ લુપ્ત થયાં છે જેનું કારણ ગાય-ભેસ દૂધ વધુ આપે એ માટે આપવામાં આવતાં ઇન્જેક્શનને ગણવામાં આવે છે. એ પછી ગીધ આવાં પશુઓને ખાતાં એની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.