યુનિવસિર્ટી ઑફ સાઉથ ફ્લૉરિડામાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર જોસેફ દિતુરી સૌથી વધુ દિવસ પાણીમાં રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડવા માગે છે
વર્લ્ડ રેકૉર્ડ માટે ૧૦૦ દિવસ પાણીની અંદર રહેશે પ્રોફેસર
ફ્લૉરિડાના એક પ્રોફેસર છેલ્લાં બે સપ્તાહથી પાણીની અંદર જીવી રહ્યા છે. જૂન મહિના સુધી સપાટી પર ન આવવાની તેમની યોજના છે. યુનિવસિર્ટી ઑફ સાઉથ ફ્લૉરિડામાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર જોસેફ દિતુરી સૌથી વધુ દિવસ પાણીમાં રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડવા માગે છે. અગાઉ ૭૩ દિવસનો રેકૉર્ડ ૨૦૧૪માં ટેનેસીના બે પ્રોફેસરોએ બનાવ્યો હતો. જોસેફ દિતુરી ફ્લૉરિડાની નજીક ૨૫ ફુટ નીચે એક વિશેષ ઘરમાં ૧૦૦ દિવસ સુધી જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલી માર્ચથી શરૂ થયેલા તેમના સાહસના ૧૫મા દિવસે પ્રોફેસરે ‘યુએસએ ટુડે’ સાથે ઝૂમ કૉલ પર વાત કરી હતી. તેમણે દરિયાની અંદર જીવવાના લાભ, પડકાર અને આશ્ચર્યજનક બાબતો વિશે વાત કરી હતી. પાણીની અંદર રહેતા દિતુરીનો હેતુ નવો રેકૉર્ડ બનાવવાનો નહીં, પરંતુ માનવશરીર અત્યંત દબાણમાં લાંબા ગાળા સુધી રહેવામાં કેવી પ્રતિક્રિયા આપે છે એનો અભ્યાસ કરવાનો છે.
૧૦૦ ચોરસ ફુટના ઘરમાં રહેવાનું શરૂ કરતાં પહેલાં પ્રોફેસરે માનસિક અને શારીરિક તપાસ કરાવી હતી. તેમણે પાણીની અંદર રહેવાનું શરૂ કર્યું ત્યાર બાદ પણ તેમની વિવિધ ટેસ્ટ ડૉક્ટરોએ કરી છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે બે કરોડ રૂપિયા)નો છે. મહિનાઓ સુધી એકલતા અને બંધિયાર વાતાવરણમાં રહેવાથી એની મનોવૈજ્ઞાનિક અસરો અને દબાણ હેઠળ જીવવાથી આયુષ્ય વધી શકે તથા અમુક રોગોને અટકાવી શકાય કે નહીં એ શોધવાનો છે. ૨૮ વર્ષ સુધી નૌકાદળમાં કામ કરતી વખતે વારંવાર વિદેશમાં તહેનાત રહેતા દિતુરીને પ્રિયજનોથી દૂર રહેવાની આદત પડી ગઈ છે. નાનાં બાળકો શ્વાસ રોકીને ઘણી વખત તેમને હેલો કહેવા માટે આવે છે. પ્રોફેસરના ઘરમાં એક બેડ, બાથરૂમ અને તાજા પાણીનો ફુવારો છે. કિચનમાં સૌથી મહત્ત્વની વસ્તુ કૉફી-મેકર છે. તેમની પાસે માઇક્રોવેવ પણ છે, પરંતુ દબાણવાળી સ્થિતિને કારણે તેઓ વધારે રસોઈ બનાવતા નથી. જોકે અહીં આવનાર લોકો પ્રોફેસર માટે તાજો ખોરાક લઈ આવે છે.