કૅનેડાના ઓટાવા શહેરમાં વિશ્વના સૌથી ખરાબ મનાતા મૅક્ડોનલ્ડ્સ રેસ્ટોરાંને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
૧૦૦થી વધુ વખત પોલીસને બોલાવવી પડી એટલે મૅક્ડોનલ્ડ્સને બંધ કરાશે
કૅનેડાના ઓટાવા શહેરમાં વિશ્વના સૌથી ખરાબ મનાતા મૅક્ડોનલ્ડ્સ રેસ્ટોરાંને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ટોરાં શરૂ કરાયા બાદથી અત્યાર સુધીના છેલ્લા ચાર દસકામાં આ રેસ્ટોરાંમાં ગ્રાહકો વચ્ચેની લડાઈને કારણે લગભગ ૧૦૦ કરતાં વધુ વાર પોલીસ બોલાવવામાં આવી છે, જેમાં છેલ્લે રેક્કુનને કારણે થયેલી લડાઈનો પણ સમાવેશ થાય છે. રેસ્ટોરાં જે ઇમારતમાં આવેલી છે એના માલિક પીટર ક્રોસ્થવેટે આ વાતનું સમર્થન કરતાં કહ્યું હતું કે મૅક્ડોનલ્ડ્સની આ ફ્રૅન્ચાઇઝીએ એના ભાડાના ઍગ્રીમેન્ટને રિન્યુ કરાવ્યું નથી અને એપ્રિલ મહિનામાં એ બંધ થઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૩માં થયેલી એક લડાઈનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં લોકો વચ્ચે હિંસક લડાઈ થતી જોઈ શકાય છે. આ લડાઈમાં લગભગ ૧૫ જેટલા લોકો સામેલ છે, જેમાંથી એક વ્યક્તિને તેના જૅકેટમાંથી રેક્કુન કાઢતો પણ જોઈ શકાય છે. ગ્રાહકો વચ્ચેની લડાઈ અને નફરતભર્યા વાતાવરણને કારણે લગભગ ૧૦૦ કરતાં વધુ વાર પોલીસ બોલાવવાની નોબત આવી હતી. આ પ્રકારના વાતાવરણને કારણે ગયા વર્ષે મૅક્ડોનલ્ડ્સને એના કામના કલાકો ઓછા કરવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ અનિયંત્રિત વર્તન કાયમ રહેતાં ઓટાવાના પોલીસ ચીફે મૅક્ડોનલ્ડ્સ કૅનેડાને પત્ર લખીને હકીકતની જાણ કરતાં રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.