આપણે પહેલાંથી જ વિચારવા મજબૂર કરતી વાનગીનાં કૉમ્બિનેશન જોયાં છે.
ભૂરો ઢોસો જોઈને લોકો લાલપીળા થઈ ગયા
આપણે પહેલાંથી જ વિચારવા મજબૂર કરતી વાનગીનાં કૉમ્બિનેશન જોયાં છે. જોકે હવે આ વિચિત્ર વાનગીઓના ટ્રેન્ડનો કોઈ અંત દેખાતો નથી. જોકે અહીં આપણે જે વાનગી જોવાના છીએ એ કોઈ વિચિત્ર વાનગીની યાદીમાં નથી આવતી, પણ આ વાનગી તો આપણે કદાચ ક્યારેય ફરી જોવા નહીં માગીએ. જ્યાં ઢોસાને એક સરળ, હેલ્ધી અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ તરીકે ખ્યાતિ મળી ચૂકી છે ત્યાં તમામ લોકોની પસંદગી પ્રમાણેના ઢોસા ઉપલબ્ધ છે, જેવા કે સાદા ઢોસાથી લઈને ફ્લેવરફુલ અન્યન ઢોસા, મસાલા ઢોસા, પંચકટ્ટુ ઢોસા અને ચીઝ ઢોસા. હાલમાં ઇન્ટરનેટ પર આવેલો આ ઢોસો તમારો સ્વાદ અને તમારી આંખને અસર કરશે. જી હા, એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ બ્લુ રંગનો ઢોસો તૈયાર કર્યો છે. ઉપરથી તેણે પીત્ઝાની જેમ જ એના પર ટમૅટો સૉસ અને સ્વીટ કોર્ન પણ ટૉપિંગ કર્યું હતું. ત્યાર બાદ તેણે કેટલીક શાકભાજી અને ચીઝ પાથરીને પોતાની રેસિપીને એક નવી ઓળખ આપી હતી. ત્યાર બાદ પીત્ઝાની જેમ જ એને કટ કરીને ૩ જાતની ચટણી સાથે તે પીરસે છે. જોકે ઇન્ટરનેટ પર લોકો આ ભૂરાં દૃશ્યો જોઈને લાલપીળા થઈ ગયા હતા અને કમેન્ટમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એકે લખ્યું કે શું આમાં હાર્પિક અને સર્ફ એક્સેલ નાખ્યું છે? અન્ય એક યુઝરે લખ્યું સફેદ ઢોસા મેં ક્યા પ્રૉબ્લમ હૈ?