ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે એ અસીરગઢ હોવાની અફવા ફેલાઈ હતી એથી ગામના લોકો ખેતરોમાં સોનાના સિક્કા શોધી રહ્યા છે
ઘટનાસ્થળ
મધ્ય પ્રદેશના બુરહાનપુરના અસીરગઢમાં ગામના લોકો માથા પર ટૉર્ચવાળી હેલ્મેટ પહેરીને અથવા મોબાઇલ ફોનની ટૉર્ચ ચાલુ કરીને રાત્રિના અંધકારમાં ખેતરો ખોદી માટી ચાળી રહ્યા હોય એવા વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. અસીરગઢના ગામમાં ખેતરોમાં સોનાના સિક્કા દાટવામાં આવ્યા હોવાની અફવા ફેલાતાં ગામના લોકો આમ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’માં બુરહાનપુર મુઘલ બાદશાહ ઔરંગઝેબનું પ્રિય શહેર હોવાનું જણાવવામાં આવ્યું હતું અને આ ગામમાં ઔરંગઝેબે તેનો ખજાનો છુપાવીને રાખ્યો હતો એવું દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે એ અસીરગઢ હોવાની અફવા ફેલાઈ હતી એથી ગામના લોકો ખેતરોમાં સોનાના સિક્કા શોધી રહ્યા છે.
અસીરગઢમાં હાઇવે બાંધવાનું કામ ચાલી રહ્યું છે અને એથી અનેક ખેતરોમાં ખોદકામ થયું હતું જેમાં થોડા દિવસ પહેલાં મજૂરોને માટીમાં સોનાના સિક્કા મળી આવ્યા હતા એવી અફવા ઊડી હતી. આના પગલે આસપાસનાં ગામના લોકો પણ ખેતરોમાં સોનાના સિક્કા શોધી રહ્યા છે. રાત-દિવસ લોકો ખેતરોમાં માટી ખોદીને સિક્કા કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો ટૉર્ચ, મેટલ ડિટેક્ટર, પાવડા લઈને ખેતરોમાં ખોદકામ કરી રહ્યા છે અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ખેતરોમાં પહોંચી રહ્યા હોવાનો વિડિયો પણ વાઇરલ થયો છે. વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને લોકોને ખેતરોમાં ખોદકામ નહીં કરવા તાકીદ કરી છે. જિલ્લા પ્રશાસને પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને ખોદકામ બંધ કરાવ્યું હતું.

