મોટી હોટેલોમાં ખાવા જવાના પણ કેટલાક નિયમો હોય છે. હોટેલને અનુરૂપ વસ્ત્રો તેમ જ ટેબલ મૅનર્સ પણ હોવી જોઈએ અને બિલની ચુકવણી કૅશ કે કાર્ડ દ્વારા કરવી જોઈએ.
Offbeat News
મુંબઈની તાજ હોટેલમાં ચિલ્લરમાં કરવામાં આવ્યું ફૂડ બિલનું પેમેન્ટ
મોટી હોટેલોમાં ખાવા જવાના પણ કેટલાક નિયમો હોય છે. હોટેલને અનુરૂપ વસ્ત્રો તેમ જ ટેબલ મૅનર્સ પણ હોવી જોઈએ અને બિલની ચુકવણી કૅશ કે કાર્ડ દ્વારા કરવી જોઈએ. જોકે મુંબઈના એક કન્ટેન્ટ ક્રીએટરે કાંઈક હટકે કરવાનું વિચારી હોટેલમાં બિલની ચુકવણી સિક્કા (ચિલ્લર)માં કરવાનો નિર્ણય લીધો. આ કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરેએ ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો અપલોડ કરી લખ્યું છે કે ‘બિલની ચુકવણી મહત્ત્વની છે પછી તમે એ ડૉલરમાં કરો કે છૂટા પૈસામાં.’
વિડિયોની શરૂઆતમાં સિદ્ધેશ લોકરે તાજ મહેલ પૅલેસ હોટેલમાં જવા માટે યોગ્ય રીતે તૈયાર થઈને પીત્ઝા અને મૉકટેલનો ઑર્ડર કર્યા પછી બિલ મંગાવે છે. વેઇટર બિલ લઈને આવતાં તે ખિસ્સામાંથી ચિલ્લરની કોથળી કાઢી ટેબલ પર મૂકીને ગણવાની શરૂઆત કરે છે, જે હોટેલમાં આવેલા અન્ય લોકો આશ્ચર્યથી જોઈ રહે છે. વેઇટર ચિલ્લર લઈને ગયા પછી તે કાઉન્ટર પર ચિલ્લર ગણવાનો અવાજ સંભળાતો હોવાનું પણ વિડિયોમાં કહે છે.
હોટેલમાં હાજર તેમ જ વિડિયો જોનારા કેટલાક લોકોએ આ અખતરાથી પ્રભાવિત થયા હતા તો કેટલાક આ સ્ટન્ટથી નારાજ થઈ હોટેલના સ્ટાફને અગવડ પહોંચાડવા બદલ તેની ટીકા કરી રહ્યા હતા.