આ પ્રવાસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેને લગભગ પાંચ લાખ જેટલા વ્યુઝ મળ્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પ્લેનમાં પ્રવાસ કરનારાઓ માટે ‘ઘોસ્ટ ફ્લાઇટ’ શબ્દ નવો નહીં હોય. આ એવી ફ્લાઇટ હોય છે જેમાં એની કુલ ક્ષમતાના ૧૦ ટકા કરતાં પણ ઓછા પૅસેન્જરો પ્રવાસ કરતા હોય. કાંઈક આવો જ અનુભવ ગયા વર્ષના જાન્યુઆરીમાં સિડનીથી ફિજી પ્રવાસ કરી રહેલા રોબી ઍલન નામના મુસાફરને થયો હતો. જોકે સામાન્ય રીતે ૧૦ ટકા ઓછા પૅસેન્જરને સ્થાને આ ફ્લાઇટમાં તે એકમાત્ર મુસાફર હતો. આ પ્રવાસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેને લગભગ પાંચ લાખ જેટલા વ્યુઝ મળ્યા છે.
રોબી ઍલને ‘ઘોસ્ટ ફ્લાઇટ’ના તેના અનુભવ વિશે જણાવ્યું હતું કે ફ્લાઇટનો કૅપ્ટન તેની બાજુની સીટ પર બેસીને તેની સાથે વાત કરી રહ્યો હતો. તેને એવી ટ્રીટમેન્ટ મળી રહી હતી, જાણે કે તેની આગામી વર્ષગાંઠ નિમિત્તે તેને પ્રાઇવેટ જેટમાં મુસાફરીની ટ્રીટ મળી રહી હોય. રોબી ઍલને બિઝનેસ ક્લાસમાં ટિકિટ નોંધાવી હતી પરંતુ જો તેણે ન બુક કરી હોત તો પણ તેને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવાની તક મળી જાય એમ હતું. લગેજ પિકઅપ એરિયામાં પણ માત્ર તેની જ સૂટકેસ હતી.