કૉન્ફરન્સ માટે બોલાવાયેલા ૨૫૦ માઇગ્રન્ટ્સે થિયેટરમાં જ અડ્ડો જમાવતાં થિયેટર નાદાર થયું
અજબગજબ
માઇગ્રન્ટ બેઘરો
પૅરિસમાં આવેલા એક પ્રખ્યાત ફ્રેન્ચ થિયેટરમાં ગયા વર્ષે ડિસેમ્બરની દસમી તારીખે ‘રીઇન્વેન્ટિંગ ધ વેલકમ ફૉર રેફ્યુજીસ ઇન ફ્રાન્સ’ શીર્ષક સાથે એક કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એ માટે ૨૫૦ આફ્રિકન માઇગ્રન્ટ લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે એ કાર્યક્રમ પૂરો થયા પછી એ લોકોએ ત્યાંથી નીકળવાની ના પાડી દીધી હતી. એ લોકો હોમલેસ હોવાથી શિયાળાની કડકડતી ઠંડીમાં પૅરિસમાં બીજે ક્યાંય જઈ શકે એમ નથી એમ કહીને તેમણે ત્યાં જ અડ્ડો જમાવી દીધો હતો. એ કૉન્ફરન્સ પછી તો બીજા પચાસ બેઘરો ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પણ ત્યાં જ રહેવાનું શરૂ કરી દીધું. આ વાતને લગભગ સવા મહિનો થવા આવ્યો પણ બેઘરોના અડ્ડાને કારણે થિયેટરે આ દરમ્યાનના બધા જ કાર્યક્રમ કૅન્સલ કરવા પડ્યા છે. થિયેટરને માત્ર ૩૦ ટકા જ સબસિડી મળે છે, બાકીનો ૭૦ ટકા ખર્ચો તો કાર્યક્રમની આવકમાંથી જ નીકળે છે. જોકે સવા મહિનાથી એકેય કાર્યક્રમ ન થઈ શક્યો હોવાથી હવે થિયેટર બંધ કરવું પડે એવી હાલત થઈ છે. થિયેટર માટે કામ કરતા ૬૦ કર્મચારીઓને આપવાનો પગાર પણ તેમની પાસે નથી એટલે તેમણે સરકારને વિનંતી કરી છે કે આ માઇગ્રન્ટ બેઘરો માટે બીજી કોઈ વ્યવસ્થા કરો.