સોશ્યલ મીડિયામાં એક વિડિયો જોરદાર વાઇરલ થયો છે, જેમાં ૧૮ વર્ષના અબ્દુલ અહાદ નામના પાકિસ્તાની યુવાને તેની મમ્મીનાં બીજાં લગ્ન કરાવ્યાં છે.
અજબગજબ
૧૮ વર્ષના અબ્દુલ અહાદ નામના પાકિસ્તાની યુવાને તેની મમ્મીનાં બીજાં લગ્ન કરાવ્યાં
સોશ્યલ મીડિયામાં એક વિડિયો જોરદાર વાઇરલ થયો છે, જેમાં ૧૮ વર્ષના અબ્દુલ અહાદ નામના પાકિસ્તાની યુવાને તેની મમ્મીનાં બીજાં લગ્ન કરાવ્યાં છે. મા અને દીકરો સાથે રહેતાં હતાં, પણ માતાને તેનો જીવનસાથી મળી રહે એવી કામના કરનારા અબ્દુલ અહાદે તેનાં બીજાં લગ્ન કરાવીને એનો વિડિયો અપલોડ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા આ વિડિયોએ લોકોનાં દિલ જીતી લીધાં છે. આ વિડિયોમાં અબ્દુલ કહે છે. ‘છેલ્લાં ૧૮ વર્ષથી મેં મારી યોગ્યતા મુજબ તેને શ્રેષ્ઠ જીવન આપવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેણે અમારા માટે આખું જીવન ખર્ચી નાખ્યું છે. તે પણ શાંતિપૂર્ણ જીવનની હકદાર છે એટલે એક પુત્ર તરીકે મને લાગે છે કે મેં જે કર્યું એ યોગ્ય છે. મેં મારી મમ્મીને ૧૮ વર્ષ પછી પ્રેમ અને જીવનમાં બીજી તક લેવા માટે ટેકો આપ્યો.’
આ વિડિયોમાં માતા અને દીકરાના સંબંધોની ઘણી ખટમીઠી યાદોને પણ સમાવી લેવામાં આવી છે. તેઓ જન્મદિવસની ઉજવણી કરે છે, કૉફી-શૉપમાં જાય છે, ઘરમાં મજા કરે છે એવાં વિઝ્યુઅલ્સ આપવામાં આવ્યાં છે. આ વિડિયોમાં મમ્મીનાં બીજાં લગ્નની પણ ઝલક આપવામાં આવી છે.
ADVERTISEMENT
અબ્દુલ અહાદે ફૉલોઅપ પોસ્ટમાં લખ્યું છે. ‘મમ્મીનાં લગ્નના સમાચાર સંકોચને કારણે શૅર કરવામાં મને દિવસો લાગ્યા છે, પણ તમે બધાએ જે પ્રેમ અને સમર્થન બતાવ્યાં છે એ જબરદસ્ત છે. મેં અમ્માને કહ્યું કે તમે લોકોએ અમારા નિર્ણયની કેવી રીતે પ્રશંસા કરી અને આદર કર્યો છે. આ માટે અમે બન્ને તમારા આભારી છીએ. હું દરેક કમેન્ટ કે પોસ્ટનો જવાબ આપી શકતો નથી, પણ એવું માનો કે તમે બધા અમારું વિશ્વ છો.’