પાકિસ્તાનની હોવા છતાં તેણે ગળામાં ૧૮ નંબર સાથે વિરાટ કોહલીનો ફોટો હોય એવું પેન્ડન્ટ પહેર્યું હતું.
પાકિસ્તાની ક્રિકેટ ફૅનના ગળામાં વિરાટ કોહલીનું પેન્ડન્ટ
રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાનની મૅચમાં એક પાકિસ્તાની કન્યા પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાકિસ્તાનની હોવા છતાં તેણે ગળામાં ૧૮ નંબર સાથે વિરાટ કોહલીનો ફોટો હોય એવું પેન્ડન્ટ પહેર્યું હતું.
હેં!?
ADVERTISEMENT
ઈ-સિગારેટ તો કંઈ નુકસાન ન કરે એમ સમજીને બ્રિટનમાં ૧૭ વર્ષનો એક ટીનેજર એક વીકમાં ૪૦૦ સિગારેટ જેટલી ઈ-સિગારેટ ફૂંકી જતાં તેના લંગ્સનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો. ડૉક્ટરોએ સાડાપાંચ કલાકની સર્જરી કરીને તેનું નકામું ફેફસું દૂર કર્યું હતું.
ક્યા બાત હૈ!
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચિપ બનાવતી ૩ ટ્રિલ્યન ડૉલરની કંપની Nvidiaના CEO જેન્સન હ્યુઆંગને વીકમાં કેટલા કલાક કામ કરવું જોઈએ એવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, કે ‘હું સવારે ઊઠું ત્યારથી સૂઉં ત્યાં સુધી કામ કરું છું, વીકમાં સાત દિવસ.’
આને કહેવાય ખરી ભારતીય સંસ્કૃતિ
નાગપુરમાં ગઈ કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ માટે ખાસ સેશન યોજાયું હતું. એમાં RSSના ચીફ મોહન ભાગવતે કાર્યકર્તાઓ માટે ‘વિકાસ વર્ગ’ લીધો હતો. આ દરમ્યાન તેમની પાસે પડેલો પાણીનો લોટો ભારતીય સંસ્કૃતિની શાખ પૂરતો હોય એવું લાગે છે. પાણી માટે બૉટલો કે કાચના ગ્લાસને બદલે પાણીનો લોટો જાહેર કાર્યક્રમમાં મુકાય એ નવાઈ ભર્યું ભલે હોય, પણ આ જ આપણી સંસ્કૃતિ છે.
માઉન્ટ એવરેસ્ટ પર ડ્રોનથી ત્રણ ઑક્સિજનના બાટલા પહોંચાડાયા
વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરવાનો પડકાર ઉઠાવવા અનેક લોકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે એવરેસ્ટના બેઝકૅમ્પ પરથી ઉપરના ચડાણ વખતે ઑક્સિજનનો પુરવઠો પૂરો થઈ જવાને કારણે ઘણી વાર ઇમર્જન્સી સર્જાતી હોય છે. આ સમસ્યાના તોડ રૂપે ડ્રોન દ્વારા હવાઈ માર્ગે ઑક્સિજનનું સિલિન્ડર પહોંચાડવાનો એક્સપરિમેન્ટ થયો હતો જે સફળ રહ્યો. બેઝકૅમ્પથી કૅમ્પ-વન સુધી માઉન્ટ એવરેસ્ટ પર પહેલી વાર Flycart30 નામના ડ્રોનથી ત્રણ ઑક્સિજનનાં સિલિન્ડર પહોંચાડ્યાં હતાં. આ પ્રયોગ સફળ થતાં હવે વેસ્ટ મૅનેજમેન્ટનું કામ પણ સરળ બનશે અને શેરપાઓ પરનું બર્ડન ઓછું થશે એવી સંભાવના જતાવાઈ રહી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા હતા ત્યારે પાળેલા બિલાડાએ રહસ્ય જન્માવ્યું
રવિવાર સાંજે દેશ-વિદેશથી આવેલા ૮૦૦૦ મહેમાનોની હાજરીમાં દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદના શપથ લીધા એ દરમ્યાન એક રહસ્યમય ઘટના ઘટી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી રહ્યો છે. BJPના સંસદસભ્ય દુર્ગા દાસ શપથ લઈને પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ તરફ આગળ વધે છે ત્યારે એક દીપડા જેવું દેખાતું પ્રાણી ખૂબ પગથિયાં પરની પરસાળમાંથી પસાર થઈ જાય છે. આ દીપડો હતો? સામાન્ય બિલાડી હતી કે પછી ડૉગ? લોકોને આશ્ચર્ય એ વાતનું હતું કે કોઈ પ્રાણી આટલી બધી સિક્યૉરિટી વચ્ચે કઈ રીતે ત્યાંથી પસાર થઈ ગયું? જોકે આ પાળેલો બિલાડો હતો એવું જાણવા મળ્યું હતું.

