કાળા વાળ, ગોળ ચશ્માં ધરાવતા અને જિજ્ઞાસાથી હૉગવર્ટ્સ એક્સપ્રેસને જોઈ રહેલા હૅરીનું મૂળ ચિત્ર ૨૩ વર્ષના એક યુવકે બનાવ્યું હતું.
લાઈફમસાલા
હૅરી પૉટરના પહેલા પુસ્તકનું ઓરિજિનલ આર્ટવર્ક ૧૬ કરોડ ૨૭ લાખથી વધુ રૂપિયામાં વેચાયું
બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગે ૧૯૯૭માં પહેલી વાર હૅરી પૉટરની ઓળખાણ કરાવી ત્યારથી આ પાત્રએ આખા વિશ્વને ઘેલું લગાડ્યું છે. ‘હૅરી પૉટર ઍન્ડ ધ ફિલોસૉફર્સ સ્ટોન’ જે. કે. રોલિંગનું પહેલું પુસ્તક હતું જેના કવર પર પહેલી વાર લોકોએ હૅરી પૉટરને જોયો હતો. કાળા વાળ, ગોળ ચશ્માં ધરાવતા અને જિજ્ઞાસાથી હૉગવર્ટ્સ એક્સપ્રેસને જોઈ રહેલા હૅરીનું મૂળ ચિત્ર ૨૩ વર્ષના એક યુવકે બનાવ્યું હતું. આ ઓરિજિનલ વૉટરકલર આર્ટવર્કની અમેરિકામાં રેકૉર્ડબ્રેકિંગ ૧.૯ મિલ્યન ડૉલર (૧૬ કરોડ ૨૭ લાખથી વધુ રૂપિયા)માં હરાજી થઈ છે.
૧૯૯૭માં આર્ટ સ્કૂલનો વિદ્યાર્થી થોમસ ટાયલર લંડનમાં બ્લૂમ્સબરી પબ્લિશિંગ ઑફિસમાં ગયો હતો જ્યાં તેણે અમુક સ્કેચ રજૂ કર્યા હતા. અહીં તે જે. કે. રોલિંગના સંપર્કમાં આવ્યો અને તેમણે ભેગાં મળીને હૅરી પૉટર બનાવ્યો. સૉથબીઝ ઑક્શનના એક વિડિયોમાં કહેવામાં આવ્યું હતું કે ‘થોમસે બુક માટે બનાવેલું વૉટરકલર ઇલસ્ટ્રેશન પહેલી વાર ૨૦૦૧માં ૯૦ લાખ રૂપિયામાં વેચાયું હતું. તાજેતરના ઑક્શનની કિંમત ધાર્યા કરતાં ત્રણ ગણી વધી ગઈ હતી. બુક અને ફિલ્મોમાં હૅરી પૉટરનું કૅરેક્ટરાઇઝેશન અને ગ્લોબલ મર્ચન્ડાઇઝ બધું જ આ વૉટરકલરથી શરૂ થયું હતું.’