ઇન્ડોનેશિયાના ઝૂમાં એમાંના એક વાંદરાએ એવી જ કંઈક પ્રવૃત્તિ કરીને માણસોને અંચબામાં નાખી દીધા હતા
વાંદરાઓ
ઉરાંગઉટાંગ જાતના વાંદરાઓ માણસોની આબાદ નકલ કરી લેતા હોય છે. તેઓ પોતાની બુદ્ધિથી ઘણી ગૂંચવાડાભરી પરિસ્થિતિનો પણ ઉકેલ લાવે છે. તેથી જ એમને ઘણા નિષ્ણાતો માનવીની સૌથી નજદીક ગણે છે. એમની ઘણી પ્રવૃત્તિઓ માનવ સાથે મળી આવે છે. કોયડાઓ ઉકેલવાથી માંડીને કપડાં ધોવા સુધીની કોઈ પણ પ્રવૃત્તિ એમના માટે અઘરી નથી. તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના ઝૂમાં એમાંના એક વાંદરાએ એવી જ કંઈક પ્રવૃત્તિ કરીને માણસોને અંચબામાં નાખી દીધા હતા. એમાં એક મુલાકાતીના સનગ્લાસિસ ભૂલથી પડી ગયા હતા. એને પહેરીને એ વાંદરો જાણે સ્ટાઇલભાઈ બની ગયો હતો. એક ટિકટોક યુઝરે એનો વિડિયો પણ બનાવ્યો હતો. વાંદરો ગૉગલ્સ પહેરીને માણસની જેમ આમતેમ જોવા લાગ્યો હતો. તે જાણે કોઈને પૂછવા માગતો હતો કે ‘હું કેવો દેખાઉં છું?’
વિડિયોમાં બતાવાયું છે કે એક મહિલા મુલાકાતીના સનગ્લાસિસ ઉરાંગઉટાંગના પાંજરામાં પડી ગયા હતા. કેટલીક ક્ષણો બાદ એક મોટો ઉરાંગઉટાંગ ત્યાં આવે છે, સનગ્લાસિસ ઊંચકે છે તેમ જ એને પહેરે છે. એના બીજા હાથમાં એક નાનકડો વાંદરો પણ હોય છે. દરમ્યાન એના હાથમાં રહેલો બાળવાનર એને આંચકી લેવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતો નથી. અત્યાર સુધીમાં ૮૦ લાખ લોકોએ આ મજેદાર વિડિયો જોયો છે. કેટલાકે રમૂજી કમેન્ટ પણ આપી છે. એ વાંદરો પોતાના બાળવાનરને દૂર ખસેડે છે એ વિશે એક જણ મીડિયામાં લખે છે, ‘હની, આને તારે અડવાનું નથી.’