તાજેતરમાં અપોપો નામના ઑર્ગેનાઇઝેશનનો અત્યંત ચપળ અને સફળ ઉંદર (પાઉચ્ડ રેટ) મગાવા સાત વર્ષની વયે નિવૃત્ત થયો. આ ઉંદરને તેના ગોળમટોળ મોટા ગાલને કારણે પાઉચ્ડ રેટ કહેવામાં આવે છે
આ ઉંદરભાઈ હવે રિટાયર થાય છેઃ
તાજેતરમાં અપોપો નામના ઑર્ગેનાઇઝેશનનો અત્યંત ચપળ અને સફળ ઉંદર (પાઉચ્ડ રેટ) મગાવા સાત વર્ષની વયે નિવૃત્ત થયો. આ ઉંદરને તેના ગોળમટોળ મોટા ગાલને કારણે પાઉચ્ડ રેટ કહેવામાં આવે છે. ડૉગની જેમ સૂંઘવાની ક્ષમતાને કારણે સુરંગ અને સ્ફોટકો શોધવા માટે અમેરિકા તથા યુરોપમાં એની ઘણી ડિમાન્ડ રહે છે.
૭૦ સેન્ટિમીટર લાંબો અને ૧.૨૩ કિલો વજનના મગાવા નામના ઉંદરનો જન્મ ૨૦૧૪માં આફ્રિકા ખંડના ટાન્ઝાનિયામાં થયો હતો. બેલ્જિયમમાં તાલીમ અપાયેલા એ ઉંદરે ૭ વર્ષમાં ૨૮ ઑપરેશન્સમાં ૩૯ સુરંગ શોધીને લાખો લોકોના જીવ બચાવ્યા હતા. એકંદરે મગાવા ઉંદરે ૧.૪૧ લાખ ચોરસ મીટરના ક્ષેત્રને સુરંગથી મુક્ત કરવાની કામગીરી બજાવી હતી. એ માટે ઉંદરને ૨૦૨૦માં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેને જન્મ પછી આફ્રિકાના જ દેશ કમ્બોડિયા મોકલવામાં આવ્યો હતો. અપોપો સંગઠન મુખ્યત્વે બળવાખોરો અને આતંકતવાદીઓ સહિતની વિગ્રહોની પ્રવૃત્તિથી ગ્રસ્ત ક્ષેત્રોમાં સેવા આપે છે. આવા વિગ્રહોમાં દુશ્મનોના પસાર થવાના ક્ષેત્રમાં સુરંગો બિછાવવાની પ્રવૃત્તિ ઘણી ચાલે છે. નિવૃત્ત મગાવા એ જ પાંજરામાં રહેશે અને આખા દિવસનું રૂટીન પણ એ જ રહેશે, પરંતુ તેણે હવે તાજાં ફળ અને શાકભાજી ખાઈને લહેર કરવાની રહેશે. કોઈ ઑપરેશન્સ પાર પાડવાની જવાબદારીથી એ મુક્ત રહેશે.