દાદાએ 3 મોરની સેવા કરેલી, હવે પૌત્ર 117 મોર સંભાળે છે
મોર
ઓડિશાના કટક શહેર પાસે સિદ્ધેશ્વર ફાયરિંગ રેન્જ પીકૉક વૅલીના નામે જાણીતી છે જ્યાં રોજ સવાર-સાંજ મોરનો કાફલો ખાવા-પીવા માટે ઊતરી આવે છે. એક પ્રકારે મોરનું અભયારણ્ય જ જોઈ લો. ૧૯૯૯માં મહાનદીના કિનારે તડગડ અને નારજ ગામની વચ્ચેની આ રેન્જમાં પન્નુ બેહરા નામે હોમગાર્ડ રહેતો હતો. પન્નુ કામમાં નવરો પડે ત્યારે એ વિસ્તારમાં વૃક્ષો વાવતો અને એની દેખભાળ પણ કરતો. એવામાં ૧૯૯૯માં ભયાનક ચક્રવાત આવ્યો ત્યારે ત્રણ ઘાયલ મોર આ રેન્જમાં આવી ચડ્યા. ઘાયલ મોરની મલમપટ્ટી કરી, ખાવા-પીવાનું આપીને તેણે ત્રણેય મોરને જંગલમાં છોડી દીધા. જોકે બીજા દિવસે ત્રણેય પાછા આવ્યા. પન્નુએ તેમને ફરીથી દાણાપાણી આપ્યાં અને પછી તો મોર એ જ રેન્જમાં રહેવા લાગ્યા. તેમનો કાફલો વધવા લાગ્યો. કેટલાક મોર બહારથી આવીને અહીં વસ્યા તો કેટલાક અહીં જ જન્મ્યા. ૨૦૧૩ સુધી આ સિલસિલો મસ્ત ચાલ્યો, પણ એ પછી પન્નુની તબિયત લથડી. તે નોકરીમાંથી રિટાયર થયો, પરંતુ વૅલીમાં જે રીતે તેણે હરિયાળી અને પશુપંખીઓ માટે વાતાવરણ બનાવ્યું હતું એટલે સરકારી નોકરીમાં તેને ચાલુ રાખવામાં આવ્યો. નબળી તબિયતને કારણે ક્યારેક ચણ નાખવા ન આવી શકાય તો મોરની ચિંતા રહે એટલે તેણે પૌત્ર કાન્હુને મોર સાથે લઈ જવાનું શરૂ કર્યું. મોર પણ કાન્હુથી ટેવાઈ ગયેલા.
આ પણ વાંચો : આ ગામનાં બધાં જ ઘરમાં સૌર-ચૂલા પર રસોઈ થાય છે
ADVERTISEMENT
જોકે જ્યારે પન્નુનું અવસાન થયું એ પછી લગભગ ૧૦ દિવસ સુધી આ વિસ્તારમાં એક પણ મોર ફરક્યો નહીં. કાન્હુ રોજ તેમને રાજા આ..આ.. કહીને દાણા નાખીને બોલાવતો. અગિયારમા દિવસે મોર આવ્યા અને કાન્હુએ દાદાનું અધૂરું કામ ઉપાડી લીધું. આમ તો કાન્હુ બીકૉમ પાસ છે અને તેને મોટા પગારની નોકરી પણ મળતી હતી, પરંતુ તેણે દાદાના મોરની જાળવણી માટે એ નોકરી ઠુકરાવી દીધી હતી.