ગુજરાતના મોડાસાની ૧૮ વર્ષની નીલાંશી પટેલ ૨૦૧૮થી એટલે કે તે ૧૬ વર્ષની હતી ત્યારથી સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.
નીલાંશી પટેલ
ગુજરાતના મોડાસાની ૧૮ વર્ષની નીલાંશી પટેલ ૨૦૧૮થી એટલે કે તે ૧૬ વર્ષની હતી ત્યારથી સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. એ સમયે તેના વાળની લંબાઈ ૧૭૦.૫ સેન્ટિમીટર હતી. તેના ૧૮મા જન્મદિવસ પહેલાં તેના વાળની લંબાઈ ૨૦૦ સેન્ટિમીટર હતી. હવે નીલાંશીએ એ વિક્રમજનક લાંબા વાળ કપાવી નાખ્યા છે.
સૅલોંમાં થયેલા ખરાબ અનુભવ પછી લગભગ ૬ વર્ષની વયથી વાળ વધારવાની શરૂઆત કરનાર નીલાંશી જણાવે છે કે ‘લાંબા વાળને કારણે મેં ઘણું મેળવ્યું છે. હવે મારે ફરી સામાન્ય યુવતી બનીને રહેવું છે. અત્યાર સુધી દર અઠવાડિયે વાળ ધોયા પછી એને સૂકવવામાં મારી મમ્મી મને મદદ કરતી હતી.’
ADVERTISEMENT
વાળ કપાવ્યા બાદ નીલાંશી પાસે એના ઉપયોગના ત્રણ વિકલ્પ હતા; એની લિલામી કરવી, કૅન્સર પેશન્ટની ચૅરિટી માટે વેચી દેવા કે પછી મ્યુઝિયમને દાન કરી દેવા. નીલાંશીની મમ્મી કામિનીબહેને તેના લાંબા વાળની કહાણી પ્રેરણાત્મક હોવાથી તેને મ્યુઝિયમમાં મૂકવાનું સૂચન કર્યું હતું. જોકે પછીથી એ વાળને કૅન્સર પેશન્ટની સારવાર માટે દાન કરશે એમ તેમણે કહ્યું હતું.
નીલાંશીના કાપ્યા પછીના વાળનું વજન લગભગ ૨૬૬ ગ્રામ હતું. નીલાંશીના વાળને હૉલીવુડમાં ડિસ્પ્લે પર મૂકતાં પહેલાં રિપ્લેના ‘બિલીવ ઇટ ઑર નૉટ’માં પ્રદર્શન માટે રાખવામાં આવશે. જોકે નીલાંશીની મમ્મીએ કહ્યું કે મને મારી દીકરીના લાંબા વાળની ઘણી યાદ આવશે.