૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
રોઝાલિન ફેરર અને રોમેલ બાસ્કોન
ફિલિપીન્સના પમ્પાંગા પ્રાંતમાં નાનકડી ઝૂંપડીમાં છેલ્લાં ૨૪ વર્ષથી સાથે રહેવા છતાં ૫૦ વર્ષની રોઝાલિન ફેરર અને પંચાવન વર્ષના રોમેલ બાસ્કોને ૬ બાળકો હતાં, પણ પરિસ્થિતિને કારણે તેઓ લગ્નનો ખર્ચ ઉઠાવી શકે એટલાં સક્ષમ નહોતાં. તેમનો સંઘર્ષ રોજ પેટ ભરાય એટલો ખોરાક મેળવવાનો રહેતો. આ યુગલ સાથે વાત કર્યા બાદ રિચર્ડ સ્ટ્રેન્ડ્ઝ નામના હેરડ્રેસરે વેડિંગ પ્લાનરનો વ્યવસાય કરતા તેના મિત્ર સાથે મળીને તેમનાં સરપ્રાઇઝ લગ્ન કરાવવાની વ્યવસ્થા કરી હતી. આ સરપ્રાઇઝ લગ્નમાં દુલ્હા-દુલ્હનનાં વસ્ત્રો, ચર્ચમાં ફાધરની સામે શપથવિધિ, ફોટોશૂટ જેવી તમામ બાબતનો ખ્યાલ રાખવામાં આવશે. લગ્ન સરપ્રાઇઝથી ખુશ થયેલી રોઝાલિન કહે છે કે નાનપણમાં મેં સફેદ વેડિંગ ગાઉન પહેર્યાનું સપનું જોયું હતું, પરંતુ પૈસાના અભાવે જ્યાં પૂરો ખોરાક મેળવવાના સાંસા હોય ત્યાં આવા સપનાં પૂરાં કઈ રીતે કરી શકાય. લગ્નના દસ્તાવેજોની પ્રોસેસ પૂરી થયા બાદ વર્ષના અંત સુધીમાં આ યુગલનાં લગ્ન કરાવવામાં આવશે.