‘૧૯૭૮ અગાઉના પ્રકાશિત અથવા રજિસ્ટર્ડ કાર્યો માટે યુએસ કૉપીરાઇટ કાયદા હેઠળ ડિઝની પાસે હવે આ કૅરૅક્ટરના અધિકારો રહેશે નહીં’
મિકી માઉસ
દુનિયાના કરોડો લોકોમાં અને એમાં પણ ખાસ કરીને નાનાં બાળકોના મનમાં ખાસ સ્થાન ધરાવનાર તેમના પ્રિય પાત્ર મિકી માઉસે ૯૫ વર્ષ પછી પહેલી વાર પબ્લિક ડોમેનમાં પ્રવેશ કર્યો છે. આ પબ્લિક ડોમેન એટલે શું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ડિઝની સાથેના મિકી માઉસના પ્રારંભિક વર્ઝનનો કૉપીરાઇટ ૨૦૨૪નું વર્ષ બેસતાં જ સમાપ્ત થઈ ગયો છે. મિકી માઉસને દર્શાવતી વૉલ્ટ ડિઝનીની પ્રથમ શૉર્ટ ફિલ્મ ‘સ્ટીમબોટ વિલી’નું પ્રીમિયર ૧૯૨૮માં થયું હતું. એ પછી ૯૫ વર્ષ થઈ જતાં વૉલ્ટ ડિઝનીનો મિકી માઉસ પર એકહથ્થુ હક પૂરો થઈ ગયો.
સ્ટીમબોટ વિલી એ હાલના સમયનું મિકી માઉસ નથી જે આપણે મર્ચેન્ડાઇઝ, શો અને ડિઝની મૂવીઝ પર નિહાળતા આવ્યા છીએ. સ્ટીમબોટ વિલીમાં ઉંદર મિકી માઉસ એક નળાકાર નાવિક કૅપ પહેરતો હતો, જેમાં નાની કાળી આંખો હતી. આ ઉપરાંત એમાં મિકી માઉસ મોટા કદનાં જૂતાં અને મોજાં પહેરતો હતો.
હવે મિકી માઉસનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. ‘૧૯૭૮ અગાઉના પ્રકાશિત અથવા રજિસ્ટર્ડ કાર્યો માટે યુએસ કૉપીરાઇટ કાયદા હેઠળ ડિઝની પાસે હવે આ કૅરૅક્ટરના અધિકારો રહેશે નહીં’ એવું વૉલ્ટ ડિઝની વર્લ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ કાર્યોની કૉપી અથવા ઉપયોગ કરવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી. જો કોઈ કાર્ય કૉપીરાઇટ સુરક્ષા માટે અયોગ્ય હોય અથવા એના કૉપીરાઇટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તો એને સામાન્ય રીતે પબ્લિક ડોમેનમાં ગણવામાં આવે છે.

