અમેરિકાના બે ફૂડ સાયન્ટિસ્ટોએ એક એવું મશીન બનાવ્યું છે જે માત્ર ત્રણ સેકન્ડમાં જ પ્રવાહી મિશ્રણને ક્રીમી આઇસક્રીમમાં પરિવર્તિત કરી દે છે
Offbeat
પેટન્ટ કરવામાં આવેલી પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ કરતાં અલગ છે
સામાન્ય રીતે મિશ્રણમાંથી આઇસક્રીમ બનતાં ઘણો સમય લાગતો હોય છે. જોકે અમેરિકાના બે ફૂડ સાયન્ટિસ્ટોએ એક એવું મશીન બનાવ્યું છે જે માત્ર ત્રણ સેકન્ડમાં જ પ્રવાહી મિશ્રણને ક્રીમી આઇસક્રીમમાં પરિવર્તિત કરી દે છે. ફૂડ સાયન્સ એન્જિનિયરિંગના પ્રોફેસર સઈદ રિઝવી અને માઇકલ વેગનર દ્વારા પેટન્ટ કરવામાં આવેલી પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ કરતાં અલગ છે. જેમાં આઇસક્રીમનું મિશ્રણ ઠંડું ન થાય ત્યાં સુધી એક બેરેલ યુનિટમાંથી પસાર થતું હોય છે. જ્યારે નવી પદ્ધતિમાં આ મિશ્રણ ભારે દબાણ ધરાવતા કાર્બન ડાયોક્સાઇડ નોઝલ પરથી પસાર થાય છે એટલે એ તરત જ મિશ્રણને માઇનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડું કરે છે તેમ જ આઇસ્ક્રીમમાં પરિવર્તિત કરે છે. આ મશીન માત્ર ત્રણ સેકન્ડમાં મિશ્રણને આઇસક્રીમ સ્કૂપમાં ફેરવે છે. આઇસક્રીમ બનાવવા માટેના મિશ્રણને તમે વ્યવસાયિક રીતે અથવા તો ઘરે પણ બનાવી શકો છો. આ મશીન જો વ્યવસાયિક રીતે સફળ થયું તો આવાં મશીનો ઠેરઠેર જોવા મળશે. વળી આના કારણે આઇસક્રીમ ઉદ્યોગમાં ક્રાન્તિ આવશે, કારણ કે આઇસક્રીમને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે ફ્રીઝર ટ્રકની જરૂર નહીં રહે. વળી એને લાંબા સમય સુધી માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસ રાખવાની જરૂર નથી. હવે કેમિકલ નાખવાની પણ જરૂર નહીં રહે.