૫૩ વર્ષના કામી રીટા શેરપાએ કહ્યું કે સવારે એક વિદેશી પર્વતારોહક સાથે ગાઇડ તરીકે કામ કરતાં ૮૮૪૯ મીટર પર્વત સર કર્યો હતો
Offbeat News
કામી રીટા શેરપા
માઉન્ટ એવરેસ્ટ સર કરવો એક મોટો પડકાર છે, પરંતુ નેપાલના કામી રીટા શેરપાએ ગઈ કાલે પૃથ્વી પરના સૌથી ઊંચા પ્રર્વતને ૨૭ વખત સર કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. ૫૩ વર્ષના કામી રીટા શેરપાએ કહ્યું કે સવારે એક વિદેશી પર્વતારોહક સાથે ગાઇડ તરીકે કામ કરતાં ૮૮૪૯ મીટર પર્વત સર કર્યો હતો. તેઓ સવારે ૮.૩૦ વાગ્યે ટોચ પર પહોંચ્યા હતા. કામી રીટા શેરપા સૌપ્રથમ ૧૯૯૪માં એવરેસ્ટની ટોચ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ દર વર્ષે આ પર્વત પર ચડ્યા હતા. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૨૦માં ખરાબ હવામાન અથવા કોવિડ જેવી પરિસ્થિતિને કારણે કોઈને પણ પર્વત પર જવાની પરવાનગી આપવામાં આવી નહોતી ત્યારે તેઓ ચૂકી ગયા હતા. નેપાલ સરકારે આ વર્ષે કુલ ૪૭૮ વિદેશી પ્રર્વતારોહકોને પરમિટ આપી છે, જેનો ખર્ચ ૪૫,૦૦૦ ડૉલરથી ૨,૦૦,૦૦૦ ડૉલર (અંદાજે ૩૭ લાખથી ૧.૬૪ કરોડ રૂપિયા) થાય છે. માઉન્ટ એવરેસ્ટ સર કરવા ગાઇડની જરૂર હોય છે. એવરેસ્ટ મૅન તરીકે ઓળખાતા કામી રીટા શેરપાનો જન્મ ૧૯૭૦માં હિમાલયના એક ગામ થેમેમાં થયો હતો. બુધવારે કામી રીટા શેરપાએ જે પ્રવતારોહક સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હતા તે વિયેટનામના અબજોપતિ ચિન્હ યુ હતા.