૧૯૭૨ના અપોલો મિશન દરમ્યાન ૫૦ વર્ષ પહેલાં છેલ્લા ચંદ્ર મિશન બાદ પ્રથમ વખત આવું દૃશ્ય જોવા મળ્યું હતું
Offbeat News
નાસાના ઓરાયન યાને લીધી પૃથ્વીની સેલ્ફી
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મોકલવામા આવેલા ઓરાયન નામના યાને ચંદ્રની ફરતે પહોંચવાના પોતાના પ્રયાસ દરમ્યાન વાદળી રંગની લખોટી જેવી પૃથ્વીની તસવીર મોકલી હતી. ૧૯૭૨ના અપોલો મિશન દરમ્યાન ૫૦ વર્ષ પહેલાં છેલ્લા ચંદ્ર મિશન બાદ પ્રથમ વખત આવું દૃશ્ય જોવા મળ્યું હતું. આ એ જ ગોળાકાર ગ્રહ છે જેને આપણે બધા ઘર કહીએ છીએ અને એ સફેદ વાદળ અને વાદળી મહાસાગરથી ઘેરાયેલો છે. આ યાન ચંદ્રથી ૨,૦૦,૦૦ માઇલ દૂર હતું ત્યારે એણે આ ઐતિહાસિક સેલ્ફી લીધો હતો. ૨૨ નવેમ્બર સુધી આ યાન પૃથ્વીના કુદરતી ઉપગ્રહ સુધી પહોંચશે.
ફ્લૉરિડાના કૅનેડી સ્પેસ સેન્ટરથી બુધવારે વહેલી સવારે બે વાગ્યે ઓરાયન લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ એક ટેસ્ટ ફ્લાઇટ છે. યાનમાં ત્રણ પૂતળાં મૂકવામાં આવ્યાં છે, જે પૈકી એક ક્રૂ સર્વાઇવલ સૂટ પહેરે છે, જેને માનવ અવકાશયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અવકાશયાત્રીઓએ કૅપ્સ્યૂલમાંથી દરિયામાં ડૂબકી મારવી પડે એવી સ્થિતિમાં એક પૂતળાને નારંગી રંગનો ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે, જેને બચાવ ટીમ દૂરથી જ જોઈ શકે છે. જો આ મિશન સફળ થાય તો ૨૦૨૪માં ચંદ્ર પર માણસોને મોકલવામાં આવશે. ઓરાયન અને એસએલએસ પર કુલ ૨૪ કૅમેરા છે. કૅપ્સ્યૂલ પર ચાર કૅમેરા છે, જેણે પૃથ્વી સાથેનો સેલ્ફી લીધો છે અને એ ચંદ્રના ફોટો પણ લેશે. નાસાએ યાનની અંદરનો દેખાવ પણ શૅર કર્યો છે, જેમાં જમણી તરફ એક નાની વિન્ડો પણ છે, જેનો ઉપયોગ મહિલા અને અન્ય એક વ્યક્તિ પણ કરશે જે આખરે ચંદ્ર પર ઊતરશે.