મુંબઈનો આ સિન્ગિંગ રિક્ષા-ડ્રાઇવર
મુંબઈના ઑટો-ડ્રાઇવરે પોતાની રિક્ષાને એક મૂવિંગ કૅરીઓકે સ્ટેજમાં ફેરવી નાખી
મુંબઈના ઑટો-ડ્રાઇવરે પોતાની રિક્ષાને એક મૂવિંગ કૅરીઓકે સ્ટેજમાં ફેરવી નાખી છે. તે મુંબઈના રસ્તાઓ પર રિક્ષા ચલાવતાં-ચલાવતાં રેકૉર્ડેડ સંગીત પર માઇકમાં બૉલીવુડનાં જૂના-નવાં હિટ સૉન્ગ ગાય છે. રિક્ષા-ડ્રાઇવરના આ પ્રયોગનો વિડિયો વાઇરલ થયો છે. રિક્ષા-ડ્રાઇવર પોતાની લાઇટિંગવાળી ચમકતી રિક્ષામાં ૧૯૭૯માં આવેલી ‘ઘર’ ફિલ્મનું ‘ફિર વહી રાત હૈ’ ગીત રિક્ષા ચલાવતાં-ચલાવતાં ગાતો સંભળાય છે. તેની રિક્ષાનું સેટઅપ અને તેનો અવાજ વિડિયોમાં લોકોને ગમી રહ્યો છે. આ વાઇરલ વિડિયોને લાખો વ્યુ મળ્યા છે. જુહુ એરિયામાં આ વિડિયો લેવામાં આવ્યો છે. ઑટોરિક્ષાની ઉપર ‘કૅરીઓકે ઑટોરિક્ષા’ લખેલું છે અને લાઇક-કમેન્ટ-શૅરની વિનંતી પણ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયા બાદ આ ટૅલન્ટેડ ઑટોરિક્ષા-ડ્રાઇવરનાં વખાણ થઈ રહ્યાં છે અને બધા તેના ગાવાના પૅશન સાથે કામ કરવાની તેની અનોખી રીતને વખાણી રહ્યા છે.

