૪૫ વર્ષના પૅરાગ્લાઇડર ક્રિસ્ટિયાનો પિકેટે પાણીમાં કોઈક હિલચાલ થતી જોઈ હતી
Offbeat News
નહેરમાં ડૂબતી મહિલાને બચાવવા પૅરાગ્લાઇડરે કર્યું ઇમર્જન્સી લૅન્ડિંગ
રામ રાખે તેને કોણ ચાખે જેવો જ બનાવ ફ્લૉરિડાના માયામી નજીક બન્યો હતો, જેમાં એક પૅરાગ્લાઇડર નિયમિત ઉડાન કરી રહ્યો હતો, પરંતુ તેણે નીચે નહેરમાં એક મહિલાને કાર સાથે ડૂબતી જોઈ હતી. સમગ્ર ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. ૪૫ વર્ષના પૅરાગ્લાઇડર ક્રિસ્ટિયાનો પિકેટે પાણીમાં કોઈક હિલચાલ થતી જોઈ હતી. તે પોતાના એક મિત્ર સાથે પૅરાગ્લાઇડિંગ કરી રહ્યો હતો. શરૂઆતમાં તેને પાણીમાં મગર હશે એવું લાગ્યું, કારણ કે ત્યાં ઘણા મગર હોય છે, પરંતુ તેણે પોતાના કૅમેરાને ઝૂમ કરીને જોતાં એક મહિલા મદદ માટે બૂમો પાડતી દેખાઈ હતી. એ જોઈને તેણે તરત ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાનો વિચાર કર્યો અને મહિલાને મદદ કરવા દોડ્યો. એ પછી તેના મિત્રએ પણ ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું, જેમાં તે ઈજા પામ્યો હતો. પિકેટે મહિલાની નજીક પહોંચીને ‘તને મદદની જરૂર છે’ એમ પૂછતાં મહિલાએ કહ્યું કે ‘હું મારી કાર સાથે અહીં પડી ગઈ છું.’ પિકેટે દોરડાની મદદથી મહિલાને બચાવી લીધી હતી. તેને તરત નજીકની હૉસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે તેની ઈજા વધુ ગંભીર નહોતી. મહિલા નહેરમાં કઈ રીતે ખાબકી એની તપાસ પોલીસ કરી રહી છે. પિકેટે કહ્યું કે ઈશ્વરે જ મને આ મહિલાની મદદ માટે મોકલ્યો હશે. આ વિડિયોને ઘણા લોકોએ જોયો છે અને પિકેટને હીરો તરીકે બિરદાવ્યો છે.