નવેવો લીઓન શહેરમાં સિઝેરિયન દ્વારા આ બાળકીનો જન્મ થયો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ઉત્ક્રાન્તિ મુજબ આપણા પૂર્વજો વાંદરા હતા. જોકે કાળક્રમે આપણી પૂંછડી નામશેષ થઈ ગઈ છે, પરંતુ હજી પણ કેટલાંક નવજાત બાળકો પૂંછડી સાથે જન્મ્યાં હોય એવા દાખલા બનતા હોય છે. તાજેતરમાં મેક્સિકોમાં બે ઇંચ લાંબી પૂંછડી સાથે એક બાળકીનો જન્મ થયો હતો. નવેવો લીઓન શહેરમાં સિઝેરિયન દ્વારા આ બાળકીનો જન્મ થયો હતો. તેના પેરન્ટ્સ પણ સ્વસ્થ છે. બે ઇંચની પૂંછડી નરમ હતી અને એના પર હળવા વાળ પણ હતા, જેનો વ્યાસ ૩થી ૫ મિલીમીટરનો હતો. આવી દુર્લભ ઘટના અત્યાર સુધી ૨૦૦ કરતાં ઓછી વખત નોંધાઈ છે. મેક્સિકોમાં આ પ્રકારનો પહેલો કેસ હતો. ગર્ભાવસ્થા દરમ્યાન પણ કોઈ સમસ્યા નહોતી. બાળકી પણ તંદુરસ્ત હતી. પૂંછડી કોઈ પ્રકારનું હલનચલન કરતી નહોતી, પરંતુ એને સોય અડાડવામાં આવી ત્યારે બાળકી રડી હતી. આ એક સાચી પૂંછડી જ છે, જેમાં સ્નાયુઓ અને રક્તવાહિનીઓ હતી, પણ હાડકાં નહોતાં, જેવું પ્રાણીઓમાં હોય છે. આવી સાચી પૂંછડી ભાગ્યે જ જોવા મળે છે. સૌથી લાંબી પૂંછડી ૭.૯ ઇંચની છે. વળી આવી પૂંછડી મોટા ભાગે છોકરાઓમાં જોવા મળે છે. વળી પૂંછડીવાળાં ૧૭ બાળકો પૈકી એક મગજના વિકાસની વિકૃતિથી પીડાતાં હોય છે. ડૉક્ટરો પણ જાણતા નથી કે એનું કારણ શું છે?

