તેઓ ૯ વર્ષ પહેલાં ઍક્યુવેધર નામના હવામાન વિશે માહિતી આપતી મીડિયા કંપનીમાં ઇન્ટર્ન તરીકે પ્રથમ વખત મળ્યાં હતાં
Offbeat
જોશ સીરલ્સ અને તેની પત્ની જેસિકા ટોપલ
વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારાને સામાન્ય રીતે શુભ માનવામાં નથી આવતા, પણ જો કોઈ હવામાન ખાતામાં કામ કરનાર યુગલનો લગ્નપ્રસંગ હોય ત્યારે તમામ પરિસ્થિતિ બદલાઈ જાય છે. આવા જ તોફાની માહોલ વચ્ચે યુગલનાં લગ્નના ફોટો વાઇરલ થયા છે. જોશ સીરલ્સ અને તેની પત્ની જેસિકા ટોપલ ૯ વર્ષ પહેલાં ઍક્યુવેધર નામના હવામાન વિશે માહિતી આપતી મીડિયા કંપનીમાં ઇન્ટર્ન તરીકે પ્રથમ વખત મળ્યાં હતાં. તાજેતરમાં તેમણે લગ્ન કર્યાં અને લગ્ન વખતે ફોટોગ્રાફર સામે કિસ કરતાં હતાં ત્યારે પાછળ વાદળના ગડગડાટ અને વીજળીના ચમકારા એક અનોખો માહોલ ઊભો કરી રહ્યા હતા. તેમના મિત્ર અને ફોટોગ્રાફર સૅમ બેકહૉસે ફોટો પાડ્યા હતા. ફોટોગ્રાફરે લખ્યું હતું કે જ્યારે બે હવામાનશાસ્ત્રો લગ્ન કરે ત્યારે કંઈક આવું જ થાય છે. અમેરિકાના બેથલેહમ શહેરમાં ૧૨ ઑગસ્ટે તેમનાં લગ્ન થયાં હતાં. એક ફોટોમાં તો બન્ને કિસ કરતાં હતાં અને એની પાછળ વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. દંપતીએ એ ક્ષણે ફોટો પાડનાર ફોટોગ્રાફરનો ખાસ આભાર માન્યો હતો.