ઉત્તર ભારતમાં પણ હવે વરસાદ છવાયો છે અને નદીકિનારાની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ભારતમાં પણ હવે વરસાદ છવાયો છે અને નદીકિનારાની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. બિહારમાં પણ નદીઓનું જળસ્તર વધી જવાથી વારંવાર અનેક લોકોનાં ઘર પાણીમાં ડૂબી જાય છે અને ઘાટની કાચી માટી પાસે બનેલાં ઘરો તૂટી જાય છે. આ સમસ્યાથી કંટાળીને બિહારના બક્સરમાં એક વર્ષ પહેલાં પ્રશાંતકુમાર નામના માણસે આઇડિયા લડાવ્યો હતો. દર વખતે પાણીમાં વહી જતું ઘર જોવાને બદલે તેણે ઘાટ પર જ એવું ઘર બનાવ્યું જે પાણી ભરાય તો તરવા માંડે. એની નીચે લોખંડના ઍન્કલ્સ લગાવ્યાં છે જે પાણી ભરાતાં ઊંચાં થઈ જાય છે અને ઘર પાણીમાં તરવા માંડે છે. આ ટેક્નૉલૉજી સમજવા માટે પ્રશાંતે કૅનેડા, નેધરલૅન્ડ્સ અને જર્મનીમાં રહેતા તેના દોસ્તો પાસેથી જ જ્ઞાન લીધું હતું અને બધાની મદદથી લાકડાનું એવું ઘર બનાવ્યું જે પૂરમાં પાણી પર તરતું રહે. આ ઘર કૃતપુરા ગામ પાસે છે. ટ્રાયલ માટે બનાવેલું આ ઘર હવે બીજે પણ લઈ જવાઈ રહ્યું છે. એમાં કિચન, બાથરૂમ, બેડરૂમ બધું જ છે. પ્રશાંતનું કહેવું છે કે ઘર બનાવવામાં વપરાયેલું મટીરિયલ ખૂબ જ હલકુંફૂલકું છે.