નવરાત્રિમાં આખો દેશ નવદુર્ગાની પૂજા-અર્ચના સાથે પ્રભુ શ્રીરામની ભક્તિ પણ કરે છે. દશેરાએ રાવણદહન કરીને કૌશલ્યાનંદનના વિજયનો ઉત્સવ પણ મનાવાશે, પરંતુ બુંદેલખંડના સાગર જિલ્લાના એક ભાઈ રઘુનંદનની નહીં, દશાનન રાવણની ભક્તિમાં લીન રહે છે.
અજબગજબ
સુબોધ શુક્લા
નવરાત્રિમાં આખો દેશ નવદુર્ગાની પૂજા-અર્ચના સાથે પ્રભુ શ્રીરામની ભક્તિ પણ કરે છે. દશેરાએ રાવણદહન કરીને કૌશલ્યાનંદનના વિજયનો ઉત્સવ પણ મનાવાશે, પરંતુ બુંદેલખંડના સાગર જિલ્લાના એક ભાઈ રઘુનંદનની નહીં, દશાનન રાવણની ભક્તિમાં લીન રહે છે. તેમની દૃષ્ટિએ તો ભગવાન કરતાં લંકેશનું મહત્ત્વ વધારે છે. રવિ શંકર વૉર્ડમાં રહેતા સુબોધ શુક્લા ઇન્દોરમાં હોમગાર્ડ તરીકે સેવા આપતા હતા. ત્યાંથી તેમની બદલી થઈ અને ખંડવાના જૈન આદિમ જાતિ કલ્યાણ વિભાગમાં આવી ગયા. અહીં તેમણે આદિવાસી સમાજ વચ્ચે કામ કરવાનું હતું અને આદિવાસી સમાજ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની પૂજા કરતો હતો. ‘સંગ એવો રંગ’ કહેવત અહીં કામ કરી ગઈ અને સુબોધ શુક્લાને પણ રાવણ પ્રત્યે ભારોભાર માન ઊપજ્યું. સુબોધભાઈનું કહેવું છે કે ખંડવાના આદિવાસીઓના મતે રાવણ દક્ષિણના દ્રવિડ બ્રાહ્મણ હતા અને તેમના ભગવાન હતા. રાવણસંહિતા અને રાવણસ્તુતિનો અભ્યાસ કર્યો અને તેઓ પણ રાવણભક્ત બની ગયા. એટલે ૪૭ વર્ષના સુબોધ શુક્લા ‘જયશ્રી રામ’ નહીં, ‘જય લંકેશ’ અને ‘જય રાવણ જય બ્રાહ્મણ’નાં સૂત્રો પોકારે છે. એટલું જ નહીં, રાવણદહન ન કરવા માટે જાગૃતિ ફેલાવવાનું અભિયાન પણ તેઓ ચલાવે છે. તેમનું કહેવું છે કે રાવણનું દહન કરવું એ બ્રાહ્મણ સમાજના શોષણનું પ્રતીક છે. લોકસભા અને વિધાનસભામાં પણ બ્રાહ્મણોનું વર્ચસ નથી એટલે સુબોધભાઈએ ‘રાષ્ટ્રીય રાવણ સેના’ નામનું સંગઠન પણ બનાવ્યું છે. દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું દહન થાય છે ત્યારે આ ભાઈ આ ત્રણેયનાં ચિત્રો સામે રાખીને પરિનિર્વાણ દિવસ મનાવે છે.