મેરઠ પોલીસ સમયસર પહોંચી ગઈ અને યુવાન લટકે એ પહેલાં જ તેને બચાવી લીધો
અજબગજબ
પોલીસે આપઘાત કરવા જતા યુવકને બચાવી લીધો
ફિલ્મોમાં હંમેશાં બધું પતી જાય પછી જ પોલીસ પહોંચતી બતાવાય છે, પણ સાચે એવું નથી થતું. એક યુવાન આપઘાત કરવા જતો હતો, પણ મેરઠ પોલીસ સમયસર પહોંચી ગઈ અને યુવાન લટકે એ પહેલાં જ પહોંચી ગઈ અને તેને બચાવી લીધો. મેરઠના એક ગામમાં રહેતા પરિણીત આદિત્યને કોઈ વાતે માતાપિતા સાથે ઝઘડો થયો હતો. એ પછી આવેશમાં આવીને આદિત્યએ આપઘાત કરવાનો નિર્ણય લઈ લીધો. ગભરાયેલા પરિવારે તરત જ ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસને મદદ કરવા કહ્યું. ધૂંધવાયેલા આદિત્યએ પંખા સાથે દોરડું બાંધ્યું અને ફંદો તૈયાર કર્યો અને ગળામાં ગાળિયો પહેરીને લટકી ગયો ત્યાં જ પોલીસ પહોંચી ગઈ અને તેના પગ પકડીને ખભા પર બેસાડી દીધો. આદિત્ય લટકી જવા માટે ધમપછાડા કરતો રહ્યો હતો એટલે પોલીસે દોરડું જ કાપી નાખ્યું અને તેને નીચે ઉતારી દીધો. પોલીસે તેને શાંતિથી સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.